મોડાસા : રાજ્ય સરકાર દ્વારા જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ખાસ કરીને મેલેરીયાને અટકાવવા પગલા અને તકેદારી રાખવા માટે જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવામાં આવે છે.
રાજ્યને 2022 સુધી મેલેરીયામુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લામાં અગાઉના વર્ષોમાં જયાં મેલેરીયાના કેસ મળી આવ્યા હતા તેવા વિસ્તારોની ઓળખ કરી દવા છંટકાવ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી.
આ અંગે વાત કરતા જિલ્લા મેલેરીયા અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, વર્તમાન ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય એના આગોતરા આયોજન મુજબ જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના 10 આરોગ્ય કેન્દ્રમાં આવતા 12 ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં 2252 ઘરોને આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સમયગાળામાં ફિવર સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ભંગાર એકત્ર થતા સ્થળ, ટાયર પંચરની દુકાન સહિત મચ્છર ઉત્પતિના સ્થાન તેવા વિસ્તારોની ઓળખ કરી ટેમીફોસ અને બીટીઆઇ દ્વારા આ ઉત્પતિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને અનુલક્ષી સોશિયલ ડિસ્ટન્ટ સાથે સઘન સર્વેલનસ અને લોકજાગૃતિ અંગે લારવા નિદર્શન તેમજ જ્યાં પાણીના કાયમી સ્ત્રોત છે તેવી જગ્યાએ પોરાભક્ષક ગપ્પી ફિશ મૂકવામાં આવશે.