અરવલ્લી:કોરોનાના કપરા સમયમાં સિવિલના અભાવે અરવલ્લી જિલ્લાના દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. જેને લઇને સિવિલ હોસ્પિટલ માટે જમીનની માગ પ્રબળ બની હતી. પ્રજાના આ પ્રશ્નને વાચા આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીડું ઝડપી સિવિલ હોસ્પિટલ માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ.
કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ધરણાં કરી સિવિલ હોસ્પિટલની માગને તેજ બનાવવામાં હતી. આખરે સરકારે સિવિલ હોસ્પિટલ માટે જમીન ફાળવતા કોંગ્રેસે પોતાના આંદોલનની જીત ગણાવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ માટે જિલ્લા સેવા સદનની બાજુમાં 3.5 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.
જિલ્લામાં સિવિલ હોસ્પિટલની જગ્યાની ફાળવણી થતાં જિલ્લાવાસીમાં ખુશીની લહેર છવાઇ છે. આ સાથે જ કોંગ્રેસે પણ પોતાનું આંદોલન રંગ લાવ્યું હોવાનું કહી જિલ્લા કલેક્ટરનો આભાર માન્યો છે.