અરવલ્લી: પહેલા કમોસમી વરસાદ બાદમાં વિશ્વ મહામારી કોરોના વાઈરસ અને હવે તીડનો આતંક. ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે. જેના પગલે ખેતીના પાકમાં માઠી અસર બેઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીડનો આતંક વધી રહ્યો છે, ત્યારે તંત્ર પણ તીડ સામે લડવાના પગલા લઈ રહ્યું છે.
જિલ્લામાં તીડનો આતંક ખેડૂતોના પાકમાં નુકસાન પહોંચાડે એ પહેલા જ તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. ખેડૂતો પણ એટલા જ સતર્ક બન્યા છે. અમુક જગ્યાએ થાળી વગાડીને તીડ ભગાડવા પ્રયાસ કરી રહ્યા છે, તો ક્યાંક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
અરવલ્લીમાં જિલ્લા ખેતીવાડી કચેરીમાં કંટ્રોલ રૂમ પણ આપવામા આવ્યો છે. જેથી કોઈ ખેડૂતને તીડ લક્ષી માહિતી જોઈતી હોય તો આપી શકાય તેમજ તેે તીડના આગમનની કોઈ માહિતી મળે તો કચેરી તરફથી તરત પગલાં લઈ શકાય. આ કાર્ય માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ 10 ટીમનું ગઠન કર્યું છે. જિલ્લામાં તીડ નિયંત્રણ માટેના આયોજન અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર પટેલ પણ ખેડુતોને માર્ગદર્શન આપીને સાવચેત કરી રહ્યા છે.