અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા અને મેઘરજના સરહદી ગામોમાં તીડ આવવાની સંભાવનાને લઇ આગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે શું પગલા લેવા તે અંગે તકેદારી રાખવા તેમ જ જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડ આવવાની શક્યતા છે. તેવી જગ્યાઓની ઓળખ કરી અગાઉથી ટીમ બનાવી સર્વે હાથ ધરવા પર ભાર મુક્યો હતો.
જિલ્લામાં હાલ જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તેવા ગામોમાં રણતીડથી શક્યતાઓ હોય તો નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવાનું સમગ્ર આયોજન કરવા જણાવ્યું હતું.
આ સાથે કલેક્ટરએ પોતાના ગામમાં રણતીડ જોવા મળે તો તીડ કઈ દિશામાંથી આવ્યા છે, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયા ગામે સીમમાં બેઠા છે. તે અંગેની માહિતી કૃષિ વિભાગના કંટ્રોલ રૂમ 02774- 250030 અથવા ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ પર જણાવ્યું હતું.