- અરવલ્લીમાં રવિ પાકના વાવેતરની શરુઆત
- જિલ્લાના ખેડૂતો દ્વારા સૌથી વધુ ચણાનું વાવેતર કરાયુ
- રવિ પાક માટે ચાલુ વર્ષે 1,04,818 હેક્ટરમાં વાવેતર
અરવલ્લીઃ શિયાળાની ઋતુની શરુઆતમાં જ જિલ્લાના ખેડૂતોએ રવિ પાકની વાવણી કરવાનું શરુ કર્યુ છે. જિલ્લાના ખેડુતો દ્વારા 1 લાખ કરતાં વધારે હેકટરમાં જુદા જુદા પાકનું વાવેતરમાં કરવામાં આવ્યુ છે. શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા રવિ પાકમાં સૌથી વધારે ચણાનું વાવેતર કરવામાં આવ્યુ છે.
જિલ્લામાં 1,04,818 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર
અરવલ્લી જિલ્લામાં રવિ પાક માટે ચાલુ વર્ષે 1 લાખ 4 હજાર 818 હેક્ટરમાં વાવેતર થયું છે. શિયાળા દરમિયાન લેવામાં આવતા રવિ પાકોમાં ઘઉંનું 55 હજાર 974 હેક્ટરમાં, મકાઈ 6 હજાર 630 હેક્ટરમાં, વરિયાળી 1 હજાર 571 હેક્ટરમાં અને જ્યારે બટાટાનું 17 હજાર 256 હેક્ટરમાં વાવેતર થયું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ચણાનું વાવેતર બમણું
નોંધનીય છે કે, ખેડૂતોને ચણા માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી જિલ્લામાં ચણાનું વાવેતર વધુ કરવામાં આવ્યુ છે. ખેતિવાડી વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આ વર્ષે ચણાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું છે. ગત વર્ષે ચણાનું વાવેતર 6 હજાર 695 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ જિલ્લામાં આ વર્ષે ગત્ વર્ષ કરતા ચણાનું વાવેતર વધીને 14 હજાર 41 હેક્ટર પર પહોંચ્યું છે.