- તરબુચના વાવેતરમાં એક વિધામાં 20થી 25 હજારનો ખર્ચો
- ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તરબૂચનું ઉત્પાદન ઓછું
- ગત વર્ષે લોકડાઉનને કારણે મળ્યો હતો ઓછો ભાવ
અરવલ્લી: મોડાસામાં દર વર્ષે તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત મોડાસાના વાણીયાદ કોકાપુર ગામે ખેડૂતોએ અંદાજે 100 વીઘામાં તરબૂચની ખેતી કરી છે. તરબુચનું વાવેતર કરવામાં એક વિધામાં 20થી 25 હજારનો ખર્ચો થયો છે, જો કે ઉત્પાદન ઓછું મળતા ખેડુતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ પાક તૈયાર કર્યા બાદ માર્કેટમાં લઈ જતા પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતોને ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તરબૂચનું ઉત્પાદન ઓછું થયું છે. ઉત્પાદનની સરખાણીમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત દયનિય બની છે.
આ પણ વાંચો:બટાકાના ઉત્પાદનનું હબ વિજાપુરમાં ખેડૂતોને ભાવ ન મળતા નિરાશ
ગત વર્ષે લોકડાઉનને કારણે પોષણક્ષમ ભાવ નહોતો મળ્યો
તરબુચનો પાક 85થી 90 દિવસનો છે. ગત વર્ષ ની વાત કરવામાં આવે તો તરબૂચનું ઉત્પાદન સારુ હતું પણ લોકડાઉનને કારણે પોષણક્ષમ ભાવ નહોતો મળ્યો. તો ચાલુ વર્ષે તરબૂચનું ઉત્પાદન ઓછું છે તેમ છતાં, જોઇએ તેટલો ભાવ મળ્યો નથી ત્યારે બન્ને પરિસ્થિતિમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળ્યા નથી.
આ પણ વાંચો:હરાજીમાં સારો ભાવ મળતા, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા