મોડાસાઃ આધુનિકતાની આંધળી દોટના કારણે લોકો કેટલાય રોગોને અનાયાસે આમંત્રણ આપે છે. આપણે જાણે પુર્વજોની સંસ્કૃતિને અલવિદા કહી દીધી હોય તેમ કેટલીક વસ્તુઓ આપણા ઘરોમાંથી અલ્પિત થઇ ગઇ છે અને તેમાંનું એક છે માટલું. ગામડાઓમાં તો હજુ પણ લોકો તૃષા છુપાવવા માટે બારેમાસ માટલાનું પાણી પીવે છે, પરંતુ શહેરોમાં તો માટલાઓનું અસ્તિત્વ જ વિલુપ્ત થઈ ગયું છે. તો ચાલો આપણે એવા ગામની મુલાકાત લઇ જ્યાં માટલા લોકોની જીવાદારી છે.
આ છે અરવલ્લી જિલ્લાના ભિલોડાનું લીલછા ગામ. આ ગામમાં પ્રજાપતિ સમાજના 150 પરિવાર રહે છે. ઘરતની કાળી અને ચીકણી માટી ખુંદીને પરસેવો પાડી ચાકડા ઉપર માટલા ઘડવાનો આ પરિવારોનો પરંપરાગત વ્યવસાય છે. ગરમી વધુ પડે ત્યારે ઠંડા પાણીથી ગળુ તર કરવા સૌ મથે છે, ત્યારે શહેરોમાં તો ફ્રીજનું ઠંડુ પાણી વપરાય છે પરંતુ ગામડાઓમાં હજુયે દેશી માટલા ફ્રીજની ગરજ સારે છે.
લીલછા ગામનાં પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાતાં દેશી માટલામાં ઉનાળામાં પાણી એટલુ બધુ ઠંડુ રહે છે કે, આ માટલાં ફ્રીજને ભુલાવી દે. આમ તો દેશી માટલાં તો ઘણાં ગામોમાં બનાવાય છે, પરંતુ લીલછાનાં માટલાં વર્ષોથી પ્રખ્યાત છે. કેમ કે, ગામની તથા આસપાસના વિસ્તારની માટીમાં કોઈ અનોખું તત્વ છે. લીલછા ગામની માટીનાં દેશી માટલાં ગુજરાત રાજ્ય તેમજ મહારાષ્ટ્ર અને રાજસસ્થાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ઘડેલા માટલાંનો ભાવ નંગ દિઠ રૂપિયા 80થી 100 હોય છે.
આર્યુવેદમાં ફ્રીજનું અથવા બરફનું ઠંડુ પાણી સ્વાસ્થ માટે હાનિકારક છે. ફ્રીજના પાણીનું સેવન કરવાથી પાચન શક્તિ તો ખરાબ થાય જ છે આ સિવાય શરદી, ખાંસી અને તાવને નોંતરૂ આપે છે અને આ કોરોનાના પ્રથમ લક્ષણો પણ છે, ત્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા તરફ વળવુ એ સમયની માંગ છે.