અરવલ્લીઃ આકારા ઉનાળની શરૂઆતની સાથે જ ગરમી પણ તોબા તોબા કરાવે તેવા સમયે જો ઘડી વાર લાઇટ જાય તો જીવ ઉંચો-નીચો થઇ જાય પણ આવા સંકટના સમયે વીજકર્મીઓ ખડેપગે રહી ખરા અર્થમાં કોરોના વોરીયર્સ બની રહ્યા છે. લોકાડાઉન જાહેર થયાને 57 દિવસ દરમિયાન લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહે તે માટે વીજ વિભાગે સતત સેવા આપી છે.
કોરોના સંક્રમણના પગલે ચાલી રહેલા લોકડાઉનના સમયે અરવલ્લી જિલ્લાના લોકોને વીજ પુરવઠા સબંધિક કોઈ પણ જાતની તકલીફ ન પડે અને લોકડાઉન પોતાના ઘરોમાં બંધ રહેલા લોકો મનોરંજન સહિત વીજ પુરવઠા આધારિત પોતાની સુખ સુવિધાના સાધનોનો ઉપયોગ કરી શકે તે માટે વીજકર્મીઓ ખડેપગે રહી કાર્ય કરી રહ્યા છે.
અરવલ્લીના 25થી વધુ ઈજનેરોના માર્ગદર્શન હેઠળ પાવર સપ્લાય મેન્ટેનર દ્વારા જિલ્લાના 6 સબડિવિઝન હેઠળના સબ સ્ટેશન દ્વારા અરવલ્લી જિલ્લાના 600થી વધુ ગામોમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના અન્વયે સતત 24 કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.
જેમાં લોકડાઉનના સમયમાં મોડાસા શહેરની 358, મોડાસા ગ્રામ્યની 240, મેઘરજ સબ ડિવીઝનમાં 425 તેમજ માલપુરમાં 245 અને ટીંટોઇ ડિવીઝન 232મળી કુલ 1505 ફરીયાદોનો નિકાલ કરી વીજકર્મીઓ સાચા અર્થમાં કોરોના વોરીયર્સ બન્યા હતા.