- શામળાજી મંદિર ટ્રસ્ટની આવકમાં ઘટાડો
- કોરોના વાઈરસના કારણે મંદિર બંધ હતું
- મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસ બંધ રહેતા આવકમાં ઘટાડો
અરાવલ્લીઃ જિલ્લામાં પહાડો વચ્ચે મેશ્વો નદીના કિનારે બિરાજમાન શામળિયા ઠાકોરનું આશરે 1500 વર્ષ જૂનું મંદિર જિલ્લાને આગવી ઓળખ અપાવે છે. વર્ષે દહાડે વિવિધ ઉત્સવો અને તહેવારો આ મંદિરમાં ઉજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભકતો આવે છે. દુરથી આવેલા શ્રદ્વાળાઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રેહવાની અને જમાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસ પ્રકાશ યાત્રીમાં દર માસે અંદાજે 500 વ્યક્તિઓ ચેક-ઇન હોય છે. પ્રકાશ યાત્રીથી થતી આવકનું મંદિરના નિભાવ ખર્ચમાં નોંધપાત્ર યોગદાન છે. જોકે, કોરોના મહામારીને લઇ છેલ્લા નવ માસથી પ્રકાશ યાત્રી બંધ છે. જેથી મંદિરની આવકમાં ઘટાડો થયો છે.
મંદિર બંધ રહેતા મંદિર ટ્રસ્ટને મોટું નુકશાન
મંદિરમાં ભગવાનની સંગેમરમરથી બનેલ કાળા કલરની મૂર્તિ છે, તેથી અહીં બિરાજમાન ભગવાનને શામળિયા ઠાકોર કહેવામાં આવે છે. તેમજ મંદિરની દીવાલો પરની કોતરણી પણ અદભુત છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. માહી પૂનમ અને શ્રાવણ માસની પૂનમનું અનેરૂ મહત્વ છે. મંદિરમાં આરતી વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેતા હોય છે. જોકે, કોરોના મહામારીના શરૂઆતના 80 દિવસ સુધી મંદિર બંધ રહેતા મંદિર ટ્રસ્ટને મોટું નુકશાન થયુ છે.
તહેવારો દરમિયાન પણ મંદિરમાં દર્શાનાર્થિઓની ભીડ હતી ઓછી
કોરોના મહામારીને લઇ તહેવારો દરમિયાન મંદિરમાં દર્શાનાર્થિઓની ભીડ ઓછી હતી, તો કેટલાક તહેવારોમાં મંદિરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. હાલ સામાન્ય દિવસોમાં ભક્તોને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરી મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.