- ભારત બંધમાં ભિલોડામાં એસ.ટી બસની હવા કાઢી ટાયરોને નુકસાન પહોંચાડ્યું
- 4 ઇસમો સામે ફરિયાદ નોંધાઇ
અરવલ્લી: કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે દેશની રાજધાનીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે દેશભરમાં મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લીમાં મોટાભાગના સ્થળોએ પોલીસે અગમચેતીના પગલારૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન ભિલોડા બસ ડેપોનાના ATIએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં 4 એસટી બસના નુકસાન અંગે ફરિયાદ નોંધાવતા આંદોલનકારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ભિલોડા ATI દીપકકુમાર મણીલાલ સુથારે સ્વીફ્ટ કારના કાર ચાલક અને અન્ય 3 ઇસમો વિરૂદ્વ હવા કાઢી બસના ટાયરોને નુકશાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચાર બસને અટકાવી હવા કાઢી નાખી અને ટાયરની વાલ સીટ કાઢી લઇ જતા ટાયરમાં કટ પડી જતા રૂ.40, 100/- નું નુકસાન થયું છે. આ અંગેની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભિલોડા પોલીસે કાર ચાલક સહીત ત્રણ અજાણ્યા શખ્સો સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .