- મુખ્યપ્રધાન વિજય રૂપાણી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો
- અરવલ્લી જિલ્લાના 104 ગામોને પિયત માટે દિવસે વિજળી મળશે
- કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે : વિજય રૂપાણી
અરવલ્લી : જિલ્લાના બાયડ ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના 104 ગામના કુલ 45 ખેતીવાડી ફિડરોના 12,114 ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને, દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે અને સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. આ ઉપરાંત કોરોના વેક્સિનને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં વેક્સિન આવી જશે. આ સાથે જ કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
શું છે કિસાન સૂર્યોદય યોજના?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો પ્રારંભ 24 ઓકટોબર, 2020ના રોજ કરવામાં આવ્યો હતો. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ કુલ 1055 ગામોના ખેડૂતોને વીજ પુરવઠો દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ યોજના માટે રાજ્ય સરકારે રૂપિયા 3500 કરોડના ખર્ચે 66 KVની 3490 સર્કિટ KM જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન્સ તથા 220 KVના 9 નવા સબસ્ટેશન્સ થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
![વિજય રૂપાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-cm-rupani-avb-gj10013mp4_05012021151935_0501f_1609840175_520.png)
રાજ્યના ઉર્જા પ્રધાન અને ઉર્જા રાજ્ય પ્રધાન પણ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ, રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિહ જાડેજા, વન અને આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન રમણ પાટકર, સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્યો, મહાનુભાવો, અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.