- અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર્ણ
- 6 તાલુકાના કેંદ્રો પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી
- રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 ફેબ્રુઆરીના રોજથી શરૂ કરાઈ હતી
અરવલ્લી: જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડો વેચવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 ફેબ્રુઆરીના રોજથી શરૂ કરવામાં આવી હતી. જે 16 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના 6 તાલુકાના કેંદ્રો પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચણાના ટેકાના ભાવ ગત વર્ષ કરતા વધ્યાં
અરવલ્લી જિલ્લાના મોડાસા, ધનસુરા, મેઘરજ, બાયડ, ભિલોડા અને માલપુર તાલુકાઓમાં ટેકાના ભાવે ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યુ હતું. જે 16 ફેબ્રુઆરી સુધી ચાલ્યુ હતું. જેમાં અરવલ્લીના 6 કેંદ્રો પર 4366 ખેડુતોએ, જ્યારે મોડાસા કેંદ્ર પરથી 563 ખેડુતોએ ચણા વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધનીય છે ગત વર્ષે ચણાનો ટેકાનો ભાવ 4875 રૂપિયા હતો, જે વધીને આ વખતે 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
રાયડાના રજીસ્ટ્રેશન માટે ખેડુતોએ ઉદાસીનતા દાખવી
રાયડા માટે આ વર્ષે રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ 4650 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે જે પ્રમાણે મણે રૂપિયા. 930 થાય છે, જ્યારે ખુલ્લા બજારમાં રૂપિયા 1100 ભાવ બોલાય છે. જેથી રાયડાની ખેતી કરતા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરવાનું ટાળ્યુ હતું.
જિલ્લામાં ચણાનું વાવેતર
ખેડૂતોને ચણાના માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી આ વર્ષે અરવલ્લીમાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું હોવાનું ખેતિવાડી વિભાગ દ્વારા જણાવાયું છે. ગત વર્ષે ચણાનું વાવેતર 6695 હેક્ટરમાં વાવેતર થયું હતું, તો આ વર્ષે ચણાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં વધીને 14,041 હેક્ટર પર પહોંચ્યું છે. જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1,30,622 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. જે ગત ત્રણ વર્ષની સરખામણીમાં આઠ ટકા વધારે છે, જેમાં 12 ટકા ચણાનું વાવેતર નોંધાયું છે.