- કોરોના વાઇરસને લઇ મોટાભાગના ધંધા રોજગાર પર માઠી અસર
- ભારતીય બનાવટની દોરા દુકાનોમાં જોવા મળી
- જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ
- અરવલ્લી પોલીસે કોરોના ગાઇડ લાઇન બહાર પાડી
અરવલ્લી : કોરોના વાઇરસને લઇ મોટાભાગના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. જેમાં પંતગ અને દોરીનો ધંધો પણ બાકાત નથી. પતંગ અને દોરાના ગ્રાહકોમાં થોડા દિવસો પહેલા મંદી હતી. જોકે, ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગ્રાહકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે. જેના પગલે ભારતીય બનાવટની દોરા દુકાનોમાં જોવા મળી હતી.
દર વખતે જે ટ્રેંડ હોય તે પ્રમાણેના પતંગ ઉપર લખાણ જોવા મળે છે. ત્યારે આ વખતે ગો કોરોના, સોશિયલ ડીસ્ટન્સ જાળવો જેવા લોકજાગૃતિ અંગેના મેસેજ વાળા પતંગ પણ બજારમાં જોવા મળ્યા હતા. તો વળી વડાપ્રધાન નરેન્દ્રમોદીની છબી વાળા પતંગની પણ માંગ યથાવત છે.
આ વર્ષે ભાવમાં 20 % ટકાનો વધારો
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ પતંગના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 20 % ટકાનો વધારો જોવા મળ્યો હતો.
- ઉત્તરાયણ નિમિતે અરવલ્લી પોલીસે ગાઇડ લાઇન બહાર પાડી
1. કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર એકત્ર થઇ પતંગ ચગાવી શકાશે નહિ
2. માસ્ક વિનાના કોઇપણ વ્યક્તિને ઉજવણી સમયે મકાન, ફ્લેટના ધાબા કે અગાસી પર પતંગ ચગાવવાના હેતુથી પ્રવેશ આપવો નહિ
3. ફ્લેટ, એપાર્ટમેન્ટ કે મકાનની અગાસી પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવું,અગાશી પર મર્યાદિત લોકો હાજર રહી શકશે
4. મકાન ફ્લેટના ધાબા કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહિ. જો શરતોનો ભંગ થશે તો સેક્રેટરી કે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે
5. મકાન, ફ્લેટની અગાશી, સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે અથવા કોઇપણ પ્રકારના મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ
6. 65 વર્ષથી વધુ વયના, અન્ય રોગથી પીડાતા, સગર્ભા મહિલા, 10 વર્ષથી નાના બાળકો ઘરમાં રહે
6. જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો, ચિત્રો પતંગ પર લખવા કે દોરવા નહીં
7. ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક દોરી, માંજા પાયેલી અને પ્લાસ્ટિકની દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે