આ વિધાનસભા બેઠક બાયડ અને માલપુર તાલુકાની સંયુક્ત બેઠક છે. બાયડ વિધાનસભા બેઠક પર આમ તો કોંગ્રેસનો દબદબો છે, પરંતુ છેલ્લી પાંચ ચૂંટણી પર નજર કરીએ તો પણ આ વિધાનસભા બેઠક પર ભાજપ બે વખત અને કોંગ્રેસ ત્રણ વખત વિજયી બન્યું છે. તેથી આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
ત્રિપાંખીયો જંગ: ત્રણ મુખ્ય ચહેરાઓની ટક્કર
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ભાજપના ઉમેદવારને 7486 મતથી હરાવ્યા હતા. જો કે, ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા અહીં આ બેઠકમાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે.
બીજી બાજુ કોંગ્રેસ પક્ષે સહકાર ક્ષેત્રે અગ્રણી નેતા જશુભાઈ શિવુભાઈ પટેલને મેન્ડેટ આપ્યો છે. જશુભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પણ છે. તેઓ સાબર ડેરીમાં ડિરેક્ટર પણ છે. આ ઉપરાંત એનસીપીએ પણ આ વિસ્તારમાં સહકાર ક્ષેત્રે અગ્રણી એવા દૌલતસિંહ ચૌહાણને મેન્ડેટ આપ્યું છે.
મતદારોની સંખ્યા
અહીં મતદારોની વાત કરીએ તો કુલ 2,31,103 મતદારોમાંથી પુરુષ મતદારોની સંખ્યા 118,817 જ્યારે 112, 286 સ્ત્રી મતદારો છે. જેમાં સૌથી વધુ ઠાકોર ક્ષત્રિય સમાજના 1,26,299 મત છે. જેથી આ સીટ પર ઠાકોર સમાજનો દબદબો છે. ત્યારબાદ પટેલ જ્ઞાતિના 40,000 જેટલા મતો છે .
ચૂંટણી પંચે કરી છે આ વ્યવસ્થા
ચૂંટણીની વ્યસ્થાની વાત કરીએ તો બાયડ માલપુર વિધાનસભામાં કુલ 316 મતદાન મથકો છે . ચૂંટણી અંતર્ગત કામગીરી માટે જુદા જુદા કુલ ૧૯ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે મતવિસ્તારના તમામ 316 મતદાન મથકો પર શારીરિક વિકલાંગ મતદારો માટે દર 12 મથકો પૈકી 1 મથકમાં રેલિંગ સાથે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આવા મતદારોને મતદાન મથકો સુધી લઈ જવા માટે વાહનની તેમજ વિલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.