મોડાસાઃ જિલ્લામાં શામળાજીમાં ધોરણ-12માં અભ્યાસ કરતી આદિવાસી સમાજની વિદ્યાર્થીનીની વેણપુરના એક ઇસમે છેડતી કરી હતી અને જાતિવિષયક આપત્તીજનક શબ્દો બોલી ફરાર થઈ ગયો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પરિણામે છેડતીનો ભોગ બનેલી યુવતીને 6 મહિના બાદ 75 હજાર રૂપિયાની સરકારી સહાય મળી હતી. જોકે મળતી માહિતી અનુસાર આ સહાયમાં કટકી કરવા આદિજાતિ મદદનીશ કમીશ્નર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ પીડીત પરિવાર પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ લીધાનો આક્ષેપ થયો હતો. આ વાતની જાણ સમાજના એક અગ્રણીને થતા તેમણે કર્મચારીને ફોન કરી રૂપિયા પરત આપવા જણાવતાં ભ્રષ્ટાચારી કર્મચારીએ રૂપિયા લીધાની વાત કબુલી હતી, જેનો ઓડીયો ક્લિપ વાયરલ થયો છે. જોકે આ ક્લિપની સત્યતા અંગે ઇટીવી ભારત પુષ્ટી કરતુ નથી.
ભ્રષ્ટાચારી કર્મચારીની પોલ ખુલ્લી પડી જતાં તેણે પોતાના બચાવ કર્યો હતો અને પિડીત પરિવારે સામેથી કામ પતાવી આપવા માટે રૂપિયા આપ્યા હતા તેવુ જણાવ્યુ હતું અને પીડીત પરિવારના રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. પીડિત પરિવારે સામેથી રૂપિયા આપ્યાં હોવાનું કહેતો ઑડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લાંચીયા કર્મચારી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
![છેડતીનો ભોગ બનેલ યુવતિને મળેલ સહાયમાં પ્રાંત કચેરીના કર્મચારીએ કટકી લીધાનો આક્ષેપ, ઓડીયો ક્લિપ વાયરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7590858_1.jpg)
આ અંગેનો ઓડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને મોડાસા પ્રાંત કચેરીના કર્મચારી સામે તપાસનો આદેશ કર્યા છે, જેની તપાસ જિલ્લા પ્રયોજના અધિકારી એસ.પી મુનિયા કરી રહ્યા છે.