અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા ઘણા સયમથી સિવિલ હોસ્પિટલની માગ તેજ બની છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પણ આ મુદ્દાને લઇને સક્રિય થઇ છે. સોમવારે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ ફરીથી એક વખત જિલ્લા કલેકટરને આવેદન આપી વહેલી તકે સિવિલ હોસ્પિટલ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.
અરવલ્લી કોરોના અપડેટ
- કુલ સક્રિય કેસ - 17
- કુલ ડિસ્ચાર્જ - 229
- કુલ મૃત્યુ - 24
કોરોના વાઇરસના દર્દીઓની પડતી હાલાકીને લઇને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલની બનાવવાની માગ ઉઠી છે. લોક માગને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સિવિલ હોસ્પિટલ બનાવવા માટે સતત પ્રદર્શન અને આવેદનપત્ર આપી રહી છે.
સોમવારના રોજ વધુ એક વાર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી સિવિલ હોસ્પિટલનું ઝડપથી બનાવવાની માગ કરવામાં આવી રહી છે. જો સરકાર કે વહીવટી તંત્ર પાસેથી આગામી ગુરૂવાર સુધી કોઈ યોગ્ય જવાબ નહીં મળે તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા મથકે અને તાલુકા મથકે પ્રતીક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અરવલ્લી સાથે રાજકીય કિન્નાખોરી રાખી અન્યાય કરવામાં આવી રહ્યો છે.