- અરવલ્લી એસ.પી એ વધુ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા
- પોલીસ કર્મીઓનો સસ્પેન્ડ થવાનો સીલસીલો યથાવત
- બે માસના ગાળામાં વધુ ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
અરવલ્લી: જિલ્લામાં બે માસ પુર્વે માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશન કોન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે જિલ્લા એસ.પી.એ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સટેબલ જીજ્ઞેશ બચુ ભાઈ, એ.એસ.આઈ. શંકરભાઇ બચુભાઇ અને એ.એસ.આઇ. રાયચંદભાઈ રત્નાભાઇને સસ્પેન્ડ કરી દેતા આવતા અરવલ્લી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
કેમ કર્યા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ
ભિલોડાનો નામચીન બુટલેગર નોરનીસ, એક વ્યક્તિને નગરના બજારમાંથી અંગત અદાવતમાં ઉઠાવીને જેશીંગપુર ગામમાં લઇ ગયો હતો. જ્યાં આરોપીએ અને તેના સાગરીતોએ અપહરણ કરેલ વ્યક્તિને ઢોર માર માર્યો હતો. આ કેસમાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ બચુભાઈની સંડોવણી બહાર આવી હતી. જેની તપાસ એ.એસ.આઈ. શંકરભાઈ બચુભાઈને સોંપવામાં આવી હતી . જો કે એ.એસ.આઈ. શંકરભાઈ બચુભાઈની તપાસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. જેની જાણ એસ.પી. સંજય ખરાતને થતા સમગ્ર કેસની તપાસ ડી.વાય.એસ.પી. ભરત બસીયાને સોંપવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. ભરત બસીયાની તપાસમાં બહાર આવ્યુ હતું કે, પોલીસકર્મી જીજ્ઞેશ બચુભાઈને નોરીનીસ નામના બુટલેગર સાથે ભાઈબંધી હતી અને અપહરણ અને મારઝુડના કેસમાં તપાસ કરી રહેલા એ.એસ.આઈ. શંકરભાઇ બચુભાઈએ બેદરકારી દાખવી પોલીસકર્મીને બચાવવા કામગીરી કરી છે. આ અંગે એસ.પી.ને રિપોર્ટ સુપ્રત કરતા એસ.પી. સંજય ખરાતે બંનેને સસ્પેન્ડ કરી દીધા હતા.
જિલ્લાનો હિસ્ટ્રી શીટર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થતા એ.એસ.આઇ. સસ્પેન્ડ
બીજી બાજુ ભિલોડા પોલીસે જિલ્લાના હિસ્ટ્રી શીટર બુટલેગર સંદિપકુમાર ઉર્ફે મોન્ટૂ મોહન ચાવડાને ઝડપ્યો હતો. જો કે ઝડપાયાના ગણતરીના કલાકોમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો. આ મામલે એસ.પી. સંજય ખરાતે બુટલેગર કસ્ટડીમાંથી ભાગી જવામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ એ.એસ.આઈ. રાયચંદભાઈ રત્નાભાઇને સસ્પેન્ડ કરી દીધા હતા.