અરવલ્લી: હાર્ટ એટકના કારણે યુવાનોના મોત કેમ થઇ રહ્યા છે ? તેનો જવાબ કોઇ પાસે નથી. બધા અલગ અલગ વાતો કરી રહ્યા છે. પરંતુ આ બધી વાત વચ્ચે યુવાનોના મોત થઇ રહ્યા છે તે સત્યતા છે. તેમાં પણ મહિલાઓ કરતા પુરુષોનો મોતનો આંકડો વધારે સામે આવી રહ્યો છે. હાર્ટ એટક એટલે અણધાર્યું મોત. અરવલ્લીમાં ફરી એક વાર એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટક આવવાથી મૃત્યુ પામ્યો છે. અચાનક જૂવાન જોધ દિકરાનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રડી ઉઠે તેવા દ્રશ્યો: પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા તાલુકાના ઈટાડી ગામના અસિત વિનોદભાઈ ચૌધરી નામનો યુવક રાજપીપળા ખાતે સરકારી વિભાગમાં એલ.આઈ તરીકે ફરજ બજાવતો હતો. રવિવારે 27 વર્ષીય અસિત ચૌધરી ને રાજપીપળામાં અચાનક હાર્ટ એટેક આવતા તાબડતોડ દવાખાને ખસેડાયો હતો, યુવકને તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી, અસિત ચૌધરીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, મૃતક યુવકના પરિવારજનો અને સગા-સબંધી રાજપીપળા દોડી ગયા હતા, મૃતક યુવકને માદરે વતન લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ઈટાડી ગામ સહીત આજુબાજુના પંથકમાં શોકની લાગણી છવાઈ હતી, મૃતક યુવકની પત્નીનું કલ્પાંત કરી મુકતા કઠણ હૃદયનો માનવી પણ રડી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
હૃદય રોગના હુમલાથી મોત: નોંધનીય છે કે આશરે દસ દિવસ પહેલા મોડાસા શહેરની ગોવર્ધન સોસાયટીમાં રહેતો અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. 20 વર્ષીય યુવક મિત્રો સાથે મોડાસા બસ સ્ટેન્ડ રોડ પર આવેલા ખડાયતા બોર્ડિંગના મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અચાનક મેદાનમાં ઢળી પડતા બેભાન થતા તાબડતોડ સારવાર અર્થે ખસેડાતા સારવાર મળે તે પહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ક્રિકેટ રમતા યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા ક્રિકેટ પ્રેમીઓ સહીત સોની સમાજના શોકનું મોજું ફરી વળ્યું હતું. દેશભરમાં અને ગુજરાતમાં પણ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. યુવાનોને મેડીકલ ની કોઇ પણ હિસ્ટ્રી વિના અચાનક હાર્ટ એટક આવે અને કોઇ સારવાર મળે તે પહેલા મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા ચિંતાનો વિષય છે.