અરવલ્લીઃ જિલ્લામાં અને ખાસ કરીને મોડાસા નગરના વિસ્તારમાં કોરોના વાઇરસ (COVID-19)ના કેસો મોટી સંખ્યામાં મળી આવેલા છે. જે ધ્યાને લેતા કોરોના વાઇરસ (COVID-19)નો ફેલાવો અટકાવવા માટે અને વધુ લોકોને કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણથી બચાવવા માટે અત્યારના પ્રવર્તમાન નિયંત્રણો ઉપરાંત જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા વધારાના નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.
જેમાં મોડાસા શહેરી હદ વિસ્તારમાં દૂધ વિતરણ, પાર્લર, દવાની દુકાનો, LPG વિતરણ પેટ્રોલપંપ, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો(PDS) તેમજ ક્લિનીક તથા હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો, ખાનગી ઓફિસો, સેવાઓ બંધ રાખવામાં આવી છે.
આ ઉપરાંત આવશ્યક સેવાઓ (તબીબી, કાયદો વ્યવસ્થા સહિત) સંબંધિત કચેરીઓ સિવાયની તમામ કચેરીઓની પ્રવૃત્તિઓ બંધ રહેશે. જેમાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તે તેમજ હોમગાર્ડ કે સરકારી કે અર્ધસરકારી એજન્સીઓ કાયદેસરની ફરજ અથવા કામગીરીમાં હોય, સરકાર દ્વારા જાહેર કરેલા રોજિંદાજીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા લોકો કે જેઓએ સક્ષમ સત્તા અધિકારીની પૂર્વ મંજુરી મેળવી હશે. તે લોકોને જ પ્રતિબંધ લાગુ પડશે નહી. 11 મે 2020થી અમલમાં આવેલા આ જાહેરનામું 17મે 2020 સુધી અમલી રહશે.
આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા-1860ની કલમ-188, ધ એપેડેમીક ડીસીઝ એક્ટ, 1897, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન -2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51થી 58 મુજબ શિક્ષાને પાત્ર થશે.