અરવલ્લીઃ જિલ્લાનું સાબરકાંઠામાંથી વિભાજન થયા બાદ મોટાભાગની સરકારી કચેરીઓની સ્થાપના કરી દેવામાં આવી છે, અને આ સાથે નવીન RTO કચેરી પર સ્થાપવામાં આવી પણ ડ્રાઈવિંગ ટેસ્ટની મંજૂરી મળી ન હતી, જોકે પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે અરવલ્લી RTO કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટની મંજૂરી મળી છે.
અરવલ્લીના મોડાસામાં ડ્રાઈવિંગ ટેસ્ટની મંજુરી મળી જતા, હવે અરજદારોને સાબરકાંઠા હિંમતનગર સુધી ધક્કો થવું નહીં પડે. લાઈસન્સધારકોને કાચુ લાઈસન્સ જિલ્લાની પ્રાદેશિક કચેરીમાંથી મળી જતું હતું, પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે 50 કિમી દૂર હિંમતનગર સુધી જવાનો વારો આવતો હતો. જેને લઈને રજદારોના સમય અને નાણાંનો વ્યય થતો હતો, પણ હવે જનતાને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે સાબરકાંઠા સુધી જવું નહીં પડે, આ સમાચાર સાંભળી અરજદારોમાં ખુશી વ્યાપી ગઈ છે.
આ મંજૂરી મળ્યાની જેટલી ખુશી અરજદારોના ચહેરા પર છે, તેના કરતાં બમણી ખુશી નેતાઓને જશ ખાટવામાં છે. મંજૂરી મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેમાં નેતાએ પોતાની રજૂઆતના કારણે ટ્રેક શરૂ કરવાની મંજુરી મળી હોવાનો દાવો કરી રહ્યા છે.