- લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદાને એક માસ પૂર્ણ
- આ કાયદા હેઠળ કલેક્ટરને મળી 11 અરજી
- 21 દિવસમાં કરવો પડશે રિપોર્ટ
અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિમય 2020 કાયદાને એક માસ જેટલો સમય થયો છે. આ માસના સમય દરમિયાન અરવલ્લી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 11 અરજીઓ કલેક્ટર કચેરી ખાતે મળી છે. જેમાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 7, જ્યારે મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર અને મોડાસા તાલુકાની એક એક અરજી મળી છે.
શું છે કાયદો?
ગુજરાતમાં ભૂમાફીયાઓ દ્વારા જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં વધારો થતાં, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 અમલી બનાવામાં આવ્યો છે. આ કાયદો 16 ડિસેમ્બર 2020ના રોજ અમલમાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત જિલ્લાની કમિટી દ્વારા જમીન પચાવી પડવાના કિસ્સામાં તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર, સભ્ય સચિવ તરીકે અધિક કલેક્ટર અને સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારીનો સમાવેશ થાય છે.
અરજીના નિકાલની પ્રક્રિયા અને સજાની જોગવાઇ
ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિમય 2020 અંતર્ગત કલેક્ટરને મળેલી અરજી પ્રાંત અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં પ્રાંત અધિકારી દ્વારા 21 દિવસમાં તપાસ રિપોર્ટ તૈયારી કરી સમિતીને સોંપવામાં આવે છે. આ સમિતીને રિપોર્ટ મળ્યા બાદ જો તથ્ય જણાય તો જમીન પચાવી પાડનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ ફરિયાદ કરવાની પણ જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિમય 2020 અંતર્ગત ગુનેગારને 14 વર્ષ સુધી સજાની જોગાઇ કાયદામાં કરવામાં આવી છે.