આણંદઃ અમદાવાદના મણિનગરમાં રહેતા મિલન જયેશભાઈ પટેલ (ઉંમર વર્ષ ૨૫) છેલ્લા નવ વર્ષથી તેની સાથે અભ્યાસ કરતી જેનિશા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જોકે જેનિશાના પરિવારજનોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈ પરિવારે જેનિશાને વર્ષ 2017માં કેનેડા મોકલી દીધી હતી. કેનેડાથી પરત આવતા જેનિશા સાથે મિલને તારીખ 18 જૂન, 2018ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, જેની જાણ જેનિશાના પરિવારને નહોતી.
તારીખ 27 જૂન, 2018ના રોજ જેનિશા કેનેડા જતી રહી હતી, જોકે મિલનને વિઝા ન મળતા તે જઈ શક્યો નહોતો, તે દરમ્યાન જેનિશાને ટીબી થઈ જતા જેનિશા તે ભારત પરત ફરી હતી. જેનિશાએ લગ્નની વાતચીત કરવા મિલનના પરિવારને તેના ઘરે બોલાવ્યાં હતાં, જ્યાં જેનિશાના પરિવારના સભ્યોએ મિલનના માતા પિતાને અપમાનિત કર્યા હતાં, જેમાં જેનિશાએ પણ ભાગ ભજવ્યો હતો, જેને લઈ મિલનને લાગી આવ્યું હતું.
આ બનાવ બાદ મિલન પર જેનિશા અને તેના પરિવારના સભ્યો થકી અવાર નવાર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતુ હતું, જેથી આખરે કંટાળીને મિલને 20 જાન્યુઆરી, 2020ના રોજ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું, આ અંગે ભાલેજ પોલીસે પત્ની જેનિશા, તેના પિતા કિરીટભાઈ પટેલ, માતા ગીતાબેન પટેલ, મામા સુહાશભાઈ તથા નાના મફતભાઈ સામે ફરિયાદ દાખલ કરી આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.