આણંદ : આણંદ જિલ્લાને અસ્તિત્વમાં આવે અઢી દસકાનો સમય વીતી ગયો છે. તેમ છતાં આશ્ચર્ય થાય તેવી બાબત સામે આવી છે. આણંદ જિલ્લામાં હજુ સુધી આરોગ્યની માળખાકીય સુવિધાઓમાં ગણાતી સિવિલ હોસ્પિટલ હજુ સુધી આકાર પામી નથી.
ફક્ત ચૂંટણી ઢંઢેરો ? આણંદ જિલ્લામાં નાગરિકોને આરોગ્ય સેવાના ભાગરૂપે મળવાપાત્ર સિવિલ હોસ્પિટલનો મુદ્દો અનેક વખત રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાનો ભાગ બની ચૂક્યો છે. ચૂંટણી આવે અને સિવિલ હોસ્પિટલનું ભૂત ધૂણીને ઉભું થતું ! આ દ્રશ્ય અવારનવાર આણંદની ભણેલી ગણેલી શિક્ષિત ભોળી પ્રજાના માનસપટ પર તરતું જ હશે !
વર્ષોથી અટવાયેલો કોયડો : અવારનવાર ભૂમિપૂજન અને નીત નવા સ્થળો માટે થતી વિચારણા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલની વાત કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજના જૂના કર્મચારી આવાસના સ્થળે આવીને અટકી છે. જે હાલ અનેક વાટાઘાટ અને ટેન્ડરીંગની પ્રક્રિયા પર આવી પહોંચી છે. રાજ્યના આરોગ્યપ્રધાન ડો. ઋષિકેશ પટેલ દ્વારા પણ નક્કર આયોજન સાથે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.
આણંદ સિવિલ હોસ્પિટલ માટે સરકાર ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે. દિવાળી આસપાસના સમયમાં સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની ટેકનીકલ કામગીરી પૂર્ણતાના આરે છે, જે પૂર્ણ થતા તુરંત ખાતમુહૂર્ત કરવામાં આવશે. -- યોગેશ પટેલ (ધારાસભ્ય, આણંદ વિધાનસભા)
સરકાર દ્વારા જાહેરાત : આણંદમાં સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે જિલ્લાના લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. અનેક વિવાદો થયા બાદ માંડ મામલો થાળે પડ્યો છે. થોડા સમય અગાઉ આરોગ્યપ્રધાન ડો. ઋષિકેશ પટેલ દ્વારા આણંદમાં દિવાળી સુધીમાં સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ વાત પણ સરકારી જાહેરાત જેવી પુરવાર થઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. કેમ કે હાલ ચાલતી ટેન્ડરીંગ પ્રક્રિયા એટલી લાંબી ચાલવાની છે કે, ડિસેમ્બરના અંત સુધી ખાતમુહૂર્તની ઈંટ મુકાય એવી શક્યતા છે.
જનતાનું સપનું ક્યારે પૂરું થશે ? આણંદની જનતા કેટલાય વર્ષોથી સિવિલ હોસ્પિટલનું સ્વપ્ન જોઈ રહી છે. ખુદ આરોગ્યપ્રધાન ડો. ઋષિકેશ પટેલની જાહેરાત પછી દિવાળી સુધીમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત થશે તેવી લોકોને આશા બંધાઈ હતી. પરંતુ શરૂઆતથી કોઈને કોઈ વિવાદમાં ફસાયેલી આણંદ સિવિલ હોસ્પિટલને આ વખતે ટેકનિકલ કારણો અડચણ આપશે. આ અંગે આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે બને તે માટે સરકાર ખુબ મજબૂતાઈથી કામ કરી રહી છે. દિવાળી આસપાસના સમયમાં સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની ટેકનીકલ કામગીરી પૂર્ણતાના આરે છે, જે પૂર્ણ થતા તુરંત ખાતમુહૂર્ત કરવામાં આવશે.