પ્રાપ્ત માહિતી અનુસાર, odni ઓપન સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન કાંતિભાઈ પ્રજાપતિ પોતાના નાના પુત્ર શૈલેષભાઈ સાથે રહે છે જ્યારે તેમનો મોટો પુત્ર જયેશભાઈ વડોદરામાં રહે છે. લક્ષ્મીબેનના પતિ PWD અમદાવાદમાં નોકરી કરતા હતા જેઓનું અવસાન દસ વર્ષ અગાઉ થયું હતું. આથી તેઓનું પેન્શન લક્ષ્મીબેનના ખાતામાં ટ્રેઝરી કચેરી મારફતે જમા થતું.
સાત તારીખના વહેલી સવારના આઠ વાગ્યાના સુમારે લક્ષ્મીબેન પેન્શનના કામ અર્થે આણંદની ટ્રેઝરી કચેરીએ જવા નીકળ્યા હતા. જેઓએ સાડા દસ વાગ્યાના સુમારે પોતે આણંદ પહોંચી ગયાનું પુત્ર શૈલેષને ફોન દ્વારા જાણકારી આપી હતી પરંતુ સાંજે 6 વાગ્યા સુધી લક્ષ્મીબેન ઘરે પરત ન આવતા ચિંતિત પુત્ર શૈલેષભાઈ મોબાઈલ દ્વારા તેમના માતાનો સંપર્ક સાધવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ લક્ષ્મીબેનનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો.
આથી શૈલેષભાઈએ પોતાના મોટા ભાઈ જયેશને જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બંને ખંભોળજ પોલીસ મથકે જઇ પોતાની માતા સવારે આનંદ ગયા બાદ પરત ન ફરી અંગે જાણ કરી હતી. જો કે પોલીસે તપાસની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી દરમિયાન મોડી રાત્રે જ પોલીસને જાણ થઈ કે ખંભોળજ પ્રતાપપુરા માર્ગ પર એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો છે.
આથી પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી ગઇ હતી જ્યાં લક્ષ્મીબેનનો મૃતદેહ પડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખાતે મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.