- જિલ્લામાં કોરોનાની બીજી લહેર બની ઘાતક
- કોરોનાને રોકવા ગ્રામ્ય કક્ષાએ પંચાયતો બની સક્રિય
- વેપાર વ્યવસાય માટે નિયત સમયની કરી ફાળવણી
આણંદ: સમગ્ર રાજ્યમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે, આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસો રોકવા માટે આમંદ જિલ્લાના 12 જેટલા ગામો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું
ધંધા-રોજગારને અસર ન પડે તે રીતે લાદવામાં આવ્યું લોકડાઉન
ગામના નાગરિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરનારા ગામોમાં પીપળાવ, મલાતજ, પામોલ, વટાદરા, બોદાલ, વિરસદ, પણશોરા, કોઠાવી, જેસરવા, ચાંગા, અને લિંગડા ગામનો સમાવેશ થાય છે. આ ગામોએ સંક્રમણને નાથવા ગ્રામ પંચાયત, વેપારીઓ અને સ્થાનિકોની સંમતિ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં લાવ્યું છે. આ ગામોમાં ધંધા રોજગારને કોઈ અસર ન પડે તે માટે નિયત કરેલા નિયમો સાથે મર્યાદિત સમય માટે બજારો ખોલીને બાકીના સમયે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવે છે.
આ પણ વાંચો: નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી
હાલ જિલ્લામાં 157 દર્દીઓ સારવાર હેઠળ
હાલ આણંદ જિલ્લામાં કોરોનાના 157 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું સત્તાવાર યાદી જણાવી રહી છે, પરંતુ જિલ્લામાં શંકાસ્પદ દર્દીઓનો આંકડો અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓનો આંકડો કઈ અલગ જ પરિસ્થિતિને વર્ણવી રહી છે. તે જોતા માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગના નિયમોની કડકાઈથી અમલવારી કરાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે.