આણંદ જિલ્લો સમગ્ર વિશ્વમાં એજ્યુકેશન હબ તરીકે જાણીતો છે, ત્યારે વિદ્યાનગરમાં ભેજાભાજ તત્વો નકલી માર્કશીટ બનાવી લોકો પાસે પૈસા પડાવતાં હોવાની ઘટના સામે આવી છે.
વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે, બાકરોલ સ્ક્વેર કોમ્પલેક્સમાં આવેલા ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્સી નામથી ચાલતી ઓફિસમાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેથી વિદ્યાનગર પોલીસે બાકરોલ રોડ પર આવેલ ઇસ્કોન એજ્યુકેશનની ઓફિસમાં છાપો માર્યો હતો. ત્યારે તપાસ કરતા બનાવટી અને શૈક્ષણિક દસ્તાવેજો બનાવવાની અને તેના આધારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું મસમોટું કૌભાંડ ખુલ્લું પડ્યું હતું. જેમાં પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી બનાવટી દસ્તાવેજો, લેપટોપ મોબાઈલ અને બાઈક સહિત 81,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં આરોપી ધવલ પટેલ અને અમરીશ પટેલની ધરપડકડ કરવામાં આવી હતી. સાથે જ ટેબલ પરથી મળી આવેલા લેપટોપની તપાસણી કરતા વિવિધ શૈક્ષણિક સંસ્થાની સ્કેન કરેલી એડિટ કરી શકાય તેવી માર્કશીટ તો અને દસ્તાવેજો મળી આવ્યા હતા. જે અંગે વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ તમામ માર્કશીટો બનાવટી હોવાનું કબૂલાત કરી હતી.
આ માર્કશીટો ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સરદાર પટેલ યુનિવર્સિટી MS યુનિવર્સિટી અને મહારાષ્ટ્રની યુનિવર્સિટીના સર્ટિફિકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ પણ આ ડૉક્યુમેન્ટ પર કોમ્પ્યુટરમાં સોફ્ટવેર થકી છેડછાડ કરી નકલી માર્કશીટ બનાવવાનું અને તેને મોટી કિંમતે બહાર વેચવાનો કૌભાંડ ચલાવતા હોવાનું તેમણે સ્વીકાર્યુ હતું.
પોલીસે વધુ તપાસ કરતા આ ઘટનામાં અન્ય બે લોકોના પણ નામ સામે આવ્યા હતા. તેમજ ગુજરાત રાજ્ય સંબંધિત સંસ્થાઓના મૌલિક અને નિલેશ પટેલની અને ગુજરાત બહાને શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારી ખાતે રહેતા હિરેન મેસરિયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓ ધરપકડ કરી તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. તેમજ આરોપીઓની કુંડાળની તપાસ હાથ ધરવા ત્રણ દિવસના રિમાન્ડ હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી વડોદરા અને નવસારીમાં ડુપ્લિકેટ માર્કશીટનું કામ કરતાં અન્ય ઇસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાની લાલચમાં વિદ્યાર્થીઓ આ ગુનાખોરીનો ભોગ બને છે. જેના કારણે આવા રેકેટનો ફેલાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ રેકેટથી હજુ આગળ કેટલાં કૌભાંડીઓના સામે આવે છે. જે જાણવું રસપ્રદ રહેશે.