આણંદ: ખંભાત શહેરમાં ગણેશજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બપોરના સુમારે નવરત્ન ટોકીઝ પાસે 15 ફૂટ ઉંચી ગણેશજીની પ્રતિમા પરથી પસાર થતી જીઈબીની વીજ લાઈનને અડી જતાં વીજ કરંટમાં બે યુવકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બેને ઈજા થતાં તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ખંભાત શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
" આ સ્થળેથી શોભાયાત્રા પસાર થવાની છે, તે અંગે તેઓની કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. નક્કી શોભાયાત્રાના રૂટ પરની વીજ લાઈનનો પાવર બંધ કરવામાં આ આવ્યો જ છે. શહેરમાં અમારી ટીમ ઉપસ્થિત જ છે. પરંતુ ઉક્ત મંડળ દ્વારા જાહેરનામાનો ભંગ કરીને 18 થી 20 ફુટની ઉંચી પ્રતિમા પરવાનગી લીધા સિવાયના રૂટ ઉપર લાવવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. મોટી મૂર્તિ સાંજના પાંચથી સાતની વચ્ચે વિસર્જન યાત્રા માટે લાવવાની હતી. પરંતુ આ મંડળ દ્વારા બપોરના સુમારે મુર્તિને વિસર્જન માટે લઈ જતા અકસ્માત સર્જાયો હોવાનો લુલો બચાવ કર્યો હતો"-- રૂપાલી બેન ઝવેરી (જીઈબીના ઈજનેર)
વીજ કરંટ લાગ્યો: શહેરના લાડવાડા વિસ્તારની નંદી પર સવાર ગણેશજીની 15 ફૂટ ઊંચી મૂર્તિ સાથે આ વિસ્તારના લોકો વિસર્જન યાત્રામાં પ્રથમ જોડાયા હતા. તેઓ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે નવરત્ન ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઉપરથી જતી જીઈબીની હાઈપર લાઈનને મૂર્તિ અડી જતાં એકદમ જ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી મુર્તિની આસપાસ ઉભેલા ચારેક યુવાનોને જોરદાર વીજ કરંટ લાગતાં તેઓ નીચે પટકાયા હતા.
બે યુવકોના મોત: ધારાસભ્ય ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મિડિયા ને જણાવ્યું હતું કે, મેં ધારાસભ્ય તરીકે વારંવાર જીઈબીના અધિકારીઓને ચેતવ્યા હતા અને સુચનાઓ આપીને જણાવ્યું હતુ કે, આ લાઈનોનો સર્વે કરીને ફોલ્ટ શોધી રીપેરીંગ કામ કરાવો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. શોભાયાત્રા દર વર્ષે જે રૂટ પર નીકળે છે, તે રૂટ પર જ નીકળી હતી. દુર્ઘટના સર્જાતા જીઈબીના અધિકારી ઝવેરીબેનને ફોન કર્યો તો, ઉલ્ટાનું મને એ મૂર્તિને ઉક્ત રૂટ ઉપર લઈ જવાની ન હતી તેમ જણાવીને લુલો બચાવ કર્યો હતો.
વિસર્જન યાત્રા નક્કી કરેલા રૂટ પર જ હતી: પોલીસે સમગ્ર કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ બી. કે. પટેલે જણાવ્યું હતું કે, "વિસર્જન યાત્રા તેના નક્કી કરેલા રૂટ પર જ આગળ ધપતી હતી, એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અવસાન પામેલા પૈકી અમિતભાઈ ઉર્ફે આકાશભાઈ પરિણીત છે, પરંતુ તેમને કોઈ સંતાન નથી. જ્યારે સંદિપભાઈ અપરિણીત છે. દુર્ઘટના સર્જાતા પાછળ કોણ જવાબદાર છે તે તપાસ કર્યા બાદ બહાર આવશે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રવિણ મીણા એ તાપસ કરીને તમામ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી.