આણંદ: પેટલાદમાં ટાવર પાસે ભાઈચકલા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમના રહેઠાણ વિસ્તારમાં સેનિટાઇઝ કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતો. તેમ છતાં દર્દીના સગા બજારમાં ફરતા હોવાની જાણ નગરપાલિકાને થતા તેમના મકાનને સીલ કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી 367 કેસ નોંધાયા છે, ત્યારે કોરોનાની ગંભીરતા સમજી લોકો પણ હવે આ ચેપી બીમારીના સંક્રમણ સામે જાગૃત બની રહ્યા છે. આવા સંજોગોમાં પેટલાદના એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ 10 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનું ઘર પેટલાદ શહેરના મધ્યમાં આવેલા ભાઈચકલા વિસ્તારમાં છે. તેમના નાનાભાઈની પેટલાદ બજારમાં ખેતીવાડી ઉત્પાદનની દુકાન છે. આ દુકાન દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી. જે બાદ થોડા દિવસોમાં જ તેમના નાનાભાઈ દ્વારા આ દુકાન ચાલુ ફરી કરવામાં આવી હતી. જેની જાણ જાગૃત નાગરિકોએ નગરપાલિકાને કરી હતી.
આ અંગેની જાણ ચીફ ઓફિસર હિરલ ઠાકરને થતા તેમના દ્વારા દિનેશભાઈના પરિવારને દુકાન ન ખોલવા સાથે જ ઘર બહાર ન નીકળવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પરિવારના સભ્યો દ્વારા આ બીમારીની ગંભીરતા ન સમજતા નગરપાલિકા દ્વારા દર્દીના મકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, લોકોએ કોરોનાની ગંભીરતા સમજવી પડશે, વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા માટે સરકારી સૂચનાઓનું પાલન કરવું પડશે. સ્વયં જાગૃત બની આ બીમારી સામે બેદરકારી દાખવતા લોકોને પણ જાગૃત કરવા પ્રયત્નો હાથ ધરવા પડશે.
આ મકાનમાં રહેતા દર્દી નાનાભાઈએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તેમની પાસે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી. તેમને નગરપાલિકા દ્વારા મકાન સિલ કરવાના લીધેલા પગલાનો વિરોધ કર્યો હતો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મનમાની કરતા હોવાનું જાણાવ્યું હતું. આ અંગે તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્ય પ્રધાન તથા વડાપ્રધાન કાર્યાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાની જાણકારી તેમને આપી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીના મકાનને સરકારી નિયમ મુજબ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ પરિવારના તમામ સભ્યોનો 7 દિવસ બાદ કરાયેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા બાદ જ્યારે દર્દીના નાનાભાઈ દ્વારા પેટલાદ ખાતે આવેલી તેમની એગ્રો પ્રોડક્ટની દુકાન ચાલુ કરવામાં આવી હતી. આ અંગેની જાણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દર્દીના ઘરને સિલ કર્યા બાદ તેમને આવશ્યક વસ્તુઓ મેળવવા માટે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ટોક ઓફ ટાઉન બનેલી આ ઘટના બાદ પેટલાદમાં પણ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જેમાં નાગરિકોએ નગરપાલિકા દ્વારા મકાનને સિલ કરવાના પગલા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. આ અંગે etv bharat દ્વારા પેટલાદ પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમને પણ ટોક ઓફ ટાઉન બનેલી આ ઘટના વિશે અજાણ હોવાની જાણકારી આપી હતી. ત્યારે પેટલાદમાં તંત્ર વચ્ચે અંદરોઅંદર સંચારનો અભાવ હોય તેવું સામે આવ્યું છે.