- આણંદ જિલ્લામાં કોંગ્રેસ ને વધુ એક ઝટકો
- કોંગ્રેસના ગઢ ગણવામાં આવતા આણંદ જિલ્લામાં ભાજપ બની વધુ મજબૂત
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાઈએ ભગવો ખેસ ધારણ કર્યો
- અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો
આણંદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ રાજકીય પક્ષ મજબૂત બનવા માટે એડીચોટીનું જોર લગાવતા નજરે પડી રહ્યા છે. આણંદ જિલ્લામાં શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટીનો દબદબો જોવા મળતો રહ્યો છે. રાજ્યના રાજકારણમાં આણંદ જિલ્લાએ કોંગ્રેસ પર કાયમ વિશ્વાસ મુકી વિજય અપાવ્યો છે પરંતુ જિલ્લામાં કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ દયનીય બનતી નજરે પડી રહી છે. એક તરફ કોંગ્રેસના પ્રતિનિધિઓ એક બાદ એક પક્ષથી નારાજ બની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
કોંગ્રેસના પ્રતિનિધિઓ એક બાદ એક પક્ષથી નારાજ બની BJPમાં જોડાઇ રહ્યા છે
અગાઉ પણ કોંગ્રેસ જિલ્લા પ્રમુખથી લઇ સહકારી ક્ષેત્રે સંકળાયેલા આગેવાન સહિત કોંગ્રેસના આગેવાનો સ્થાનિક સંગઠન અને નેતાઓથી નારાજ બની ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ચૂક્યા છે તેવામાં આ યાદીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાનું નામ પણ ઉમેરાયું છે સૂત્રોથી પ્રાપ્ત થતી માહિતી, મુજબ બોરસદમાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાના હસ્તે ખેસ ધારણ કરી પ્રશાંત ચાવડા વિધિવત ભારતીય જનતામાં જોડાયા છે. આ ઘટનાને કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
લાલસિંહભાઈ વડોદિયાના હસ્તે પ્રશાંત ચાવડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા 6 નગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરતા નજરે પડી રહ્યાં છે તેવામાં બોરસદ ખાતે વોર્ડ નંબર 9માં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને આણંદ જિલ્લાના વડીલ રાજકારણી ગણાતા લાલસિંહભાઈ વડોદિયાના હસ્તે ઈશ્વર ચાવડા પરીવારના વંશજ અને વર્તમાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના કૌટુંબિક ભાઇ એવા પ્રશાંત ચાવડાએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં ખૂબ જ ગણગણાટ જોવા મળી રહ્યો છે.
આણંદના બોરસદના ચાવડા પરિવારે વર્ષોથી કોંગ્રેસનું નેતૃત્વ કર્યું
કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં બૃહદ ખેડા જિલ્લો અને તેમાં પણ વર્તમાન આણંદ જિલ્લો ખૂબ જ પાયાનું કામ કરતો આવ્યો છે. બોરસદ અને આંકલાવના કાંઠાગાળાના વિસ્તારમાં કોંગ્રેસનો ભારે દબદબો જોવા મળે છે. આણંદના બોરસદના ચાવડા પરિવારે વર્ષોથી કોંગ્રેસનું નેતૃત્વ કર્યું છે જેના કારણે વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો મત વિસ્તાર વર્ષોથી કોંગ્રેસને વરેલો છે તેવામાં પ્રાપ્ત થતી માહિતી મુજબ, કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા સ્વ. ઈશ્વર ચાવડાના પૌત્ર પ્રશાંત ચાવડાએ સ્વૈચ્છિક સામે ચાલીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરી લેતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાએ વેગ પકડ્યો હતો. સાથે જ આ ઘટનાના ફોટોઝ ખુબજ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.