આણંદઃ કોરોના વાઈરસ સામેના સંક્રમણની ચેઇનને અટકાવવા માટે વડાપ્રધાને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હતું. આણંદ શહેર સહિત જિલ્લામાં તેના ચુસ્ત અમલ માટે વહીવટી-પોલીસ તંત્ર દ્વારા સતત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ મોટાભાગના સ્થળોએ આ ગંભીર બીમારી પ્રત્યે બેદરકારી દાખવીને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, કલમ 144 સહિતના નિયમોનું ઉલ્લંઘન કરાઇ રહ્યાના દૃશ્યો જોવા મળ્યા હતા.
લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવા સહિત ડ્રોન મારફતે પણ આકાશી સર્વલન્સ હાથ ધર્યુ હતું. તેનાથી સ્થિતિમાં થોડો ફરક આવ્યો હતો.
આણંદમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સાથે જિલ્લાવાસીઓમાં પણ ચિંતા વ્યાપી છે. કોરોનાની અસરોને પહોંચી વળવા માટે અધિક આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોર દ્વારા આણંદ જિલ્લામાં એપેડેમિક ડીસીઝ એકટ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્વ કર્યુ છે. જેમાં 8 થી 14 એપ્રિલ, 2020ના સમયગાળા દરમિયન જિલ્લામાં અમૂલ પાર્લર, દૂધ પાર્લર, શાકભાજી વિતરણની દુકાનો-લારીઓ અને કરિયાણાની દુકાનો સવારે 10 કલાક સુધી જ જીવન જરુરી ચીજવસ્તુઓનું વિતરણ કરી શકશે. ઉપરાંત શહેરની સોસાયટીઓમાં ફરતા ફેરીયા-લારીઓવાળા પણ સવારે કલાક સુધી જ શાકભાજી, દૂધ સહિતની જીવનજરુરી ચીજવસ્તુ વિતરણ કરી શકશે.
આ સિવાયના તમામ પાસ રદ કરાયા છે. સાથો સાથ સ્વૈચ્છીક સંસ્થાઓને ટિફિન સેવા તેમજ અનાજ-કિટ વિતરરણ માટે અપાયેલા પાસ પણ રદ કરાયા છે. માત્ર ભિક્ષુક ગૃહ, શેલ્ટર હોમ, એકલા રહેતા સીનિયર સીટીઝન માટેની ટિફિન સેવાને મુક્તિ આપવામાં આવે.
કોઈપણ નાગરિક આકસ્મિક સંજોગો, ઇમરજન્સી હોસ્પિટલ સેવા સિવાય ઘરની બહાર નીકળી શકશે નહી. આકસ્મિક સંજોગોમાં સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી મેળવવાની રહેશે. બેંક, પોસ્ટ અને તમામ સરકારી કર્મચારીઓ પોતાના ઓળખકાર્ડ અથવા અપાયેલા પાસ સાથે રાખીને કચેરી, ફરજના સ્થળે જઇ શકશે.
આણંદ જિલ્લામાં આવેલા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકાર દ્વારા અપાયેલા વખતોવખતની સૂચના મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે અને તેઓને આપવામાં આવેલા પાસ માન્ય ગણાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે આઇપીસી કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરાશે.
જિલ્લામાં આવેલા તમામ નર્સિંગ હોમ, હોસ્પિટલોમાં આવેલા મેડિકલ સ્ટોર ખૂલ્લા રહેશે. ઉપરાંત જિલ્લાના 24 કલાક ચાલુ રહેતા દવાના સ્ટોર્સ પણ ખૂલ્લા રહેશે.
આણંદ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં તમામ નાગરિકોને લોકડાઉન દરમિયાન ફરજીયાતપણે પોતાના ઘરમાં જ રહેવા તાકિદ કરવામાં આવી છે. ઘરની બહાર જાહેર રસ્તા પર ટહેલવા કે મોર્નિંગ-ઇવનિંગ વોક માટે પણ નીકળી શકાશે નહી. નિયમ ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.
14 એપ્રિલ સુધી લોકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે પ્રસિદ્વ કરાયેલા જાહેરનામામાં શહેરીજનોને શાકભાજી, ફળ ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરાયું છે. જેમાં એપીએમસી, આણંદ દ્વારા તમામ વિસ્તારોમાં ટેમ્પો, ટ્રેકટર દ્વારા શાકભાજી, ફળફળાદીનું વિતરણ કરવામાં આવશે. આ માટેની એપીએમસી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.