મણિપુર : હાલમાં મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પોલીસ વિભાગે રવિવારથી ઇમ્ફાલના બંને જિલ્લામાં આગામી આદેશ સુધી કર્ફ્યુ લાદી દીધો હતો. છ લોકોના મૃતદેહ મળ્યા બાદ ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો છે.
મણિપુરમાં હિંસાનો માહોલ : ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સમાવવાની માંગ સાથે અખિલ આદિવાસી છાત્ર સંઘ (ATSU) દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં વધી રહેલા તણાવ વચ્ચે સરકારે આગામી આદેશ સુધી ઈમ્ફાલમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદી દીધો છે. આ પછી સરકારે તાત્કાલિક બે દિવસ માટે ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વમાં કર્ફ્યુ : તાજેતરમાં સર્જાયેલ તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં કર્ફ્યુ લાદી અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન બિરેનસિંહના નિવાસસ્થાન અને રાજભવનની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે.
23 લોકોની હથિયાર સાથે ધરપકડ : આ દરમિયાન મણિપુર પોલીસે કથિત રીતે 'ઘરોમાં તોડફોડ અને આગચંપી'ના આરોપમાં 23 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને ગોળીઓ મળી આવી હતી. આ લોકોની ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ સિવાય પોલીસ અધિકારીઓએ તેમની પાસેથી એક .32 પિસ્તોલ, સાત રાઉન્ડ SBBL બુલેટ અને આઠ મોબાઈલ ફોન રિકવર કર્યા છે.
NPCC દ્વારા શાંતિ માટે અપીલ : આ દરમિયાન નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ (NPCC) મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી તેમજ હિંસાની સખત નિંદા કરી હતી. આ સમિતિએ તમામ હિતધારકોને સંવાદ, સમાધાન અને શાંતિ માટેના પ્રયાસોને પ્રાધાન્ય આપવા વિનંતી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ સ્થિતિ પૂર્વોત્તર ક્ષેત્રની સંવાદિતા અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. સમિતિએ કેન્દ્ર સરકારને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરી હતી.
કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા હાકલ : NPCC એ જારી કરાયેલા નિવેદનમાં ભારત સરકારને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા હાકલ કરી છે. વિસ્થાપિત પરિવારો સહિત અસરગ્રસ્ત લોકોને પૂરતી સહાય આપવા સરકાર પર ભાર મૂક્યો હતો. વિવિધ સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. NPCCએ મણિપુરના લોકોને હિંસાથી દૂર રહેવા અને એકતા અને શાંતિ માટે સામૂહિક રીતે કામ કરવાની અપીલ કરી છે.