આણંદઃ સોજીત્રા પોલીસે સોમવારે રાત્રીના સુમારે ગાડા ગામની સીમમાં છાપો મારીને ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામેથી એક સગીરા અને તેની બહેન તથા ભાઈનું અપહરણ કરીને ભાગેલા હરિયાણાના શખ્સને ઘઉં કાપવાના કટર મશીન સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે સુત્રાપાડા પોલીસના હવાલે કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાઇરસના સંક્રમણને લઈને પેટ્રોલિંગ કરી રહેલી સોજીત્રા પોલીસને માહિતી મળી હતી કે, ગાડા ગામની સીમમાં કટર મશીન સાથે ત્રણ સગીરો અને એક શખ્સ આવીને રહે છે. જેથી રાત્રીના સુમારે પોલીસે સીમ વિસ્તારને કોર્ડન કરીને તેઓને ઝડપી પાડ્યા હતા અને પુછપરછ કરતાં ભુમિકાબેન (ઉ. વ. ૧૭), જશવંતભાઈ (ઉ. વ. ૧૫)અને રૂતિકા (ઉ. વ. ૧૩)ત્રણેય ભાઈ-બહેન હોવાનું તેમજ દિલેરસિંગ ઉર્ફે ડેરી બિંદરસિંગ મજબીશીખ (ઉ. વ. ૨૪,રે. મલેકપુર પંચાયત ઘરની બાજુમાં, ગોરોન્ડા, જીલ્લો કરનાલ, હરિયાણા)ના હોવાનું ખુલવા પામ્યું હતુ.
વધુમાં પોલીસે તપાસ કરતાં દિલેરસિંગ ઉર્ફે ડેરી છેલ્લા આઠેક વર્ષથી રાખેજ ગામના નવાપરા વિસ્તારમાં ઘઉંની સીઝનમાં કટર મશીન લઈને દિલેરસિંગ આવતો હતો અને દેવદાસભાઈના ઘરની બાજુમાં જ કટર મશીન રાખતો હતો. જેને લઈને તે અવારનવાર દેવદાસભાઈના ઘરે જતો આવતો હોય ભુમિકાબેનના સંપર્કમાં આવી ગયો હતો અને બદકામ કરવા માટે લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવી સગીરાના ભાઈ અને બહેનનું પણ અપહરણ કરીને ગત ૧૧મી તારીખના રોજ કટર મશીનમાં બેસાડીને ભાગ્યો હતો અને ગાડા ગામની સીમમાં આવીને રહેતો હતો.
સોજીત્રા પોલીસે તેને ઝડપી પાડીને ૬૪ હજારની કિંમતનું કટર મશીન કબ્જે કરી ત્રણેય સગીરોને બચાવી લીધા હતા. આ ઘટનાની જાણ સુત્રાપાડા પોલીસને કરતાં જ એક ટીમ સોજીત્રા આવી ચઢી હતી અને પકડાયેલા શખ્સોનો કબ્જો લઈને સુત્રાપાડા લઈ ગઈ હતી.