આણંદઃ કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિનુસાર હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરાયા નહોતા. આણંદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ સમય દરમિયાન મૃત્યુ પામેલા 500થી વધુ વ્યક્તિઓના અસ્થિ કુંભને આણંદના શ્રી સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા સેવાભાવી ટીમ સાથે હરિદ્વાર મોકલવામાં આવ્યા હતાં.
આ અંગે સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટના પ્રમુખ જનકભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી સાંઇબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની વિનામૂલ્યે સેવા કરવામાં આવે છે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં અનેકો પરિવારો મૃત સ્વજનના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન કરી શક્યા નહોતા. આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન આણંદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએથી 500થી વધુ અસ્થિકુંભ ટ્રસ્ટમાં એકત્ર થયા હતાં.
આણંદ સાંઈબાબા મંદિરના સેવાભાવી 15 વ્યક્તિઓની સેવાભાવી ટીમ સાથે તમામ અસ્થિકુંભને વાહન દ્વારા હરિદ્વાર રવાના કરવામાં આવ્યા હતાં. 8 જુલાઇના રોજ હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિનુસાર અસ્થિઓનું વિસર્જન કરાશે. સદ્દગતના આત્માને પ્રભુ શાંતિ અને મોક્ષ અર્પ તેવી પ્રાર્થના કરાશે.