- આણંદ નગરપાલિકાના 6 વોર્ડમાં કોંગ્રેસનો દબદબો
- બાકીના વોર્ડ નિર્ણાયક ભૂમિકા ભજવશે: શહેર પ્રમુખ
- બીજેપી 35 જેટલી બેઠકો સાથે સત્તા હાંસિલ કરશે: શહેર પ્રમુખ
આણંદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે. એક બાદ એક નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી વિજય હાંસલ કરી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લાના જિલ્લા મથક આણંદ શહેરની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શરૂઆતના છ વોર્ડમાં કોંગ્રેસથી પાછળ ચાલી રહી છે. આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુર પટેલ ETV ભારતને જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં તથા વોર્ડ નંબર-3માં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના એક-એક ઉમેદવારે જીત મેળવી છે. આ સાથે જ વોર્ડ નંબર સાતથી વોર્ડ નંબર-13માં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજય મેળવી અંદાજે 32થી 3૫ જેટલી બેઠકો પર ભગવો લહેરાવી ભારતીય જનતા પાર્ટી આણંદ નગરપાલિકામાં સત્તા હાંસલ કરશે. આ સાથે જ વોર્ડ -2માં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે.
પરિણામો નિર્ણાયક ભૂમિકા ભજવશે
આણંદ નગરપાલિકાના કુલ-13 વોર્ડમાંથી 1થી 6 નંબરના વોર્ડમાં જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ પક્ષ વધુ બેઠકો સાથે આગળ જણાઈ રહ્યો છે, ત્યારે હવે બાકી રહેતા વોર્ડ નંબર-7થી વોર્ડ નંબર-13ના પરિણામો નિર્ણાયક ભૂમિકા ભજવશે. આણંદ નગરપાલિકાના જાહેર થયેલા 6 વોર્ડના પરિણામોમાં કોંગ્રેસ પક્ષે 14 જેટલી બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો પર અને અપક્ષ ઉમેદવારોએ 2 બેઠકો પર જીત મેળવી છે, ત્યારે હવે બાકીના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી કેવું પ્રદર્શન કરે છે તે મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે.