આણંદઃ ભારતીય સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસો તે દેશની ઓળખ સમી છે, ભારત દેશમાં ધર્મ અને પરંપરાને વધુ મહત્વ આપવામાં આવે છે, તે માટે અનેક ધાર્મિક ફાંટાઓ ધર્મના નામે જીવન જીવવાની સાચી દિશા તરફ મનુષ્યને વાળતા આવ્યાં છે.
ધર્મ થકી વિજ્ઞાનને આધ્યાત્મિક દષ્ટિથી સમજાવવામાં આવતું હોય છે, જેને સમજવા ગુરુની જરૂર પડે છે, તે પ્રમાણે ગુરુ થકી મળતું વિજ્ઞાનનું જ્ઞાન તે વ્યક્તિના જીવનમાં દિશાસૂચન સાબિત થઈ જાય છે, આ ગુરુ ઉપદેશો અને આધ્યાત્મને સરળ શબ્દોમાં વર્ણવતા પુસ્તકોનું સર્જન આણંદના ચૈતન્ય સંઘાણી દ્વારા કરવામાં આવ્યું છે.
આણંદ વહીવટી તંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચૈતન્ય સંઘાણીને બાળપણથી જ સનાતન ધર્મ અને તેના ધાર્મિક પુસ્તકો વાંચવા અને તેને સમજી જીવનમાં ઉતારવામાં અઢળક રુચી હતી. જેથી બાળપણથી જ સૃષ્ટિના દરેક આયામને આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવાની મહેચ્છા ચૈતન્યમાં રહેતી.
હાલ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને વર્તમાન કોરોના કાળમાં સ્વયંમ સાથે જીવવાના મળેલા સમયમાં ચૈતન્ય દ્વારા આધ્યાત્મ જગતના મૂળની દરેક નાગરિકોને સરળ શબ્દોમાં સમજાય તે રીતે પીરસીને બે પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે.
આ બને પુસ્તકો ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેનું વિમોચન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ચૈતન્ય સંઘાણી દ્વારા રચિત બંને પુસ્તકો યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને ધર્મ અને આધ્યાત્મનું સરળ શબ્દોમાં સમજ આપી જીવનમાં સફળતા તરફ આગળ વધવા પ્રેરણારુપ સાબિત થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.