આણંદ જિલ્લામાંથી પસાર થતાં વેસ્ટર્ન રેલવે કોરિડોરમાં આણંદ જિલ્લામાંથી વર્ષ 2009માં 31 ગામની જમીનો સંપાદિત કરવામાં આવી હતી. જેનું વળતર ખેડૂતોને આજ દિન સુધી આપવામા આવ્યા નથી. જેથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આણંદ અમુલ ડેરીથી જિલ્લા સેવાસદન સુધી રેલી યોજી આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણાને આ મુદ્દે અંગત ધ્યાન આપી ખેડૂતોને યોગ્ય વળતર આપવા રજુઆત કરી હતી.
કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે ગરીબ ખેડૂતોને તેમની સંપાદિત જમીનોના નાણાં વ્યાજ સાથે ચૂકવવા જોઈએ અને પ્રશાસન દ્વારા આપવામાં આવેલ સમયગાળામાં જો આ મુદ્દાનો નિવેડો લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિધ્યા માર્ગે આનો વિરોધ કરી આણંદ જિલ્લાના ખેડૂતો આંદોલન કરશે જેની ચીમકી જિલ્લા કલેકટરને આપવામાં આવી છે.