આણંદ: ચરોતરમાં તારાપુર અને ખંભાત તાલુકાના ખેડૂતો સૌથી વધુ ચણા અને રાઇડાનું ઉત્પાદન કરે છે. તાજેતરમાં 1,200 જેટલા ખેડૂતોએ પાકના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે, કોરોના વાઇરસને કારણે લોકડાઉનના હોવાથી આ બન્ને પાકની ખરીદી શરૂ થઇ શકી નહોતી. તેમાં પણ આણંદ જિલ્લામાં ખંભાત રેડઝોનમાં હોવાથી ત્યાંની APMCના ચણા, રાઇડા ખરીદી કેન્દ્રએ પહોંચવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું હતું.
આ અંગે તેજશ પટેલ દ્વારા ગુજકોમાસોલના ચેરમેન સહિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે આણંદ સાંસદ મિતેશ પટેલને પણ વિનંતી કરવામાં આવી હતી કે, ચણા, રાઇડા ખરીદીનું કેન્દ્ર ખંભાતથી બદલીને તારાપુર લાવવામાં આવે. જેથી સાંસદે ખેડૂતોના હિતમાં સરકારમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ ખેડૂતોના પક્ષમાં તારાપુર કેન્દ્ર ફાળવણી માટે રજૂઆત કરી હતી.
આમ, તમામ પ્રયાસોના ફળસ્વરૂપે ચણા, રાઇડાનું ખરીદ કેન્દ્ર ખંભાતથી તબદીલ કરીને તારાપુર લવાયું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોને મોબાઇલ પર મેસેજ આવશે અને તેમનો પાક તે જ સમય અને દિવસે લાવવાનો રહેશે. આ પ્રયત્નો થકી વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય રહે અને સંભવિત કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
રાઇડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4,425 અને ચણા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4,875ના ટેકાના ભાવથી ખરીદવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે ઉપસ્થિત તમામ APMCના ચેરમેનોને જરૂરી સૂચનો કર્યા હતા અને તમામ ખેડૂતોને નિયત સમયે પોતાનો પાક વેચાણ માટે લાવવા તથા તે સમયે લોકડાઉનના નિયમોનું ચૂસ્ત પાલન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો અનુરોધ કર્યો હતો.