- રેવ પાર્ટી કરતા 13ની પોલીસે કરી અટકાયત
- મોટી સંખ્યાડના રોયલ ફાર્મ હાઉસમાં પોલીસે કરી રેડ
- આંકલાવ પોલીસની કાર્યવાહી
- પોલીસે 20 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
આણંદઃ જિલ્લાની આંકલાવ પોલીસને ગુપ્ત મેળેલી બાતમીમાં જાણવા મળ્યું હતું કે ઉમેટા પાસે આવેલી મોટી સંખ્યાડ ગામમાં આવેલી રોયલ ફાર્મહાઉસમાં ઘણા લોકો ભેગા થઈને દારૂ અને ડાન્સની પાર્ટી કરી રહ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ફાર્મ હાઉસમાં છાપો મારી 13 લોકોની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી
પેટલાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિકક્ષક આર. એલ. સોલંકીએ ઘટના વર્ણવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આંકલાવ પોલીસ મથકના પોલીસ સ્ટાફ રાત્રી પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ સબ ઇન્સપેક્ટર પરીક્ષિત સોઢાને બાતમી મળી હતી કે, મોટી સંખ્યાડ ગામે આવેલા રોયલ ફાર્મહાઉસમાં ઘણા લોકો ભેગા મળી દારૂ અને ડાન્સની મહેફિલ માણી રહ્યા છે. જે અંગે પોલીસે રોયલ ફાર્મ હાઉસમાં દરોડો પાડીને 9 યુવાનો સહિત 4 યુવતીઓની અટકાયત કરી 20 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા યુવાનોમાં બે વ્યક્તિ દિલ્હીના રહેવાસી
પકડાયેલા યુવાનોમાં બે વ્યક્તિ દિલ્હીના રહેવાસી છે જ્યારે ચાર મધ્યપ્રદેશના તથા અન્ય 7 લોકો ગુજરાતના અમદાવાદ, આણંદ અને વડોદરાના રહેવાસી છે, તામામ પાસેથી દારૂ, ગાડી, મોબાઈલ ફોન અને મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચોઃ ગોવામાં રેવ પાર્ટી કરતા 23 લોકોની ધરપકડ, વિદેશીઓ પણ સામેલ
ઘટનામાં 4 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી
મોટી સંખ્યાડની પાર્ટીમાં પોલીસ પહોંચી જતા રંગમાં ભંગ પડ્યો હતો, પોલીસે ઘટનાસ્થળેથી ચાર જેટલી યુવતીઓની પણ અટકાયત કરી છે. સમગ્ર ઘટનામાં આ યુવતી ડાન્સર તરીકે ફાર્મહાઉસમાં આવી હોવાની માહિતી ફલિત થઈ હતી, પોલોસે અચાનક દારોડો પાડીને ફાર્મહાઉસમાંથી ચાર યુવતીઓની અટકાયત કરી છે.
2 દિલ્હી અને 4 મધ્યપ્રદેશના રહેવાસી પણ થયા હતા પાર્ટીમાં શામેલ
રોયલ ફાર્મ હાઉસમાં પકડાયેલા 9 યુવાનોમાં વિજય કુમાર શર્મા રહે. ખાનપુર સાઉથ-વેસ્ટ દિલ્હી, રાકેશ સ્થાપક રહે. નવી દિલ્હી, સમીર તિવારી રહે. જબલપુર, મધ્યપ્રદેશ, પ્રમોદ રાજપૂત જબલપુર, મધ્યપ્રદેશ, પરિતોષ વર્મા રહે. નરશિપુર, મધ્યપ્રદેશ, શિશિર તિવારી રહે જબલપુર, મધ્યપ્રદેશ, રાજેશ પઢીયાર રહે ચામરા, આંકલાવ, ખેમરાજ સોની રહે ઓઢવ અમદાવાદ, પૂનમભાઇ સોલંકી રહે. મોટી સંખ્યાડ, આંકલાવના લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચોઃ પારડી પોલીસે ખાનગી લકઝરીમાંથી 92 હજારનો દારુ ઝડપી પાડ્યો
ન્યુઝ એજન્સીની ફ્રેન્ચાઇઝી આપવા માટે આવેલા પરપ્રાંતીય મહેમાનો ઝડપાયા
પકડાયેલા શખ્સો દિલ્હી અને મધ્યપ્રદેશથી વડોદરા ખાતે ખાનગી ચેનલની ફ્રેનચાઇઝી આપવા આવ્યા હતા. જ્યાં આવેલા મહેમાનોને શરાબ વિથ શબાબની પાર્ટી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં 12 તારીખની મધ્યરાત્રીએ આંકલાવ પોલીસે દરોડો પડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો અને તમામ લોકો કાયદાની ઝપેટમાં આવી ગયા હતા.
પોલીસ કરી રહી છે ઊંડી તપાસ
આંકલાવ પોલીસે સમગ્ર ઘટનામાં ઊંડાણની તપાસની કામગીરી હાથ ધરી છે. જેમાં આ શખ્સો દારૂ ક્યાંથી લાવ્યા? ફાર્મહાઉસના માલિકની શું ભૂમિકા હતી?, યુવતીઓને કોણે મોકલી હતી? વડોદરાના વિપુલ અગ્રવાલનું નામ પણ ઘટનામાં સામે આવી રહ્યું છે. તેની કેવા પ્રકારની ભૂમિકા હતી? વગેરે તપાસ પોલીસે શરૂ કરી છે. જેમાં આવનારા સમયમાં મોટા નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે!.