- વૉર્ડ નંબર 3ના રહીશો ગંદા પાણીથી પરેશાન
- પાલિકા દ્વારા અપાતું પાણી ખુબ દુષિત
- અનેક લોકો બીમારીઓમાં સપડાયાનો આક્ષેપ
આણંદ : શહેરમાં મોટી ખોડીયાર રોડ ઉપર ગંગદેવનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી અને તંત્રની ઢીલી કામગીરીના કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળી રહ્યા છે. જેના કારણે છેલ્લા એક માસથી આ વિસ્તારના લોકોને પીવા માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જેને લઇ વિસ્તારમાં છેલ્લા એક માસમાં અનેક સ્થાનિકો ઝાડા ઉલ્ટીના કેસમાં ભોગ બન્યા છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગેંગદેવનગર વિસ્તારમાં આવતા દુષિત પાણી અંગેની સમસ્યાનો કોઈ સુખદ નિરાકરણ લાવી શક્યું નથી. જેને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: આણંદ લોકલ ક્રાઇમબ્રાન્ચે રાજકોટ લઈ જવાતો 300 પેટી દારૂ ઝડપયો
ડ્રેનેજ લાઈન તૂટી જવાને કારણે સમસ્યા ઉભી થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના વૉર્ડ નંબર ત્રણમાં આવેલા ગેંગદેવનગર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર અને પાલિકાની બેદરકારીના કારણે અનેક જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો તેમજ ડ્રેનેજ લાઈન તૂટી જવાની ઘટનાઓ બની છે. આના કારણે પાઇપલાઇનનો યોગ્ય સમયે સમારકામ નહીં કરવાના કારણે સ્થાનિકોને દુષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ દુષિત પાણીના કારણે વિસ્તારમાં અનેક લોકો ગંભીર બીમારીઓમાં પણ સપડાઈ ચૂક્યાં છે. કોરોના જેવી મહામારીમાં વિસ્તારના લોકોને પાણીજન્ય બિમારીઓ થતા હોસ્પિટલમાં દાખલ થવાની પણ અનેક ઘટનાઓ બની છે.

આ પણ વાંચો: સ્વચ્છ કાણીસા સર્વોત્તમ કાણીસા - મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો
સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
આ અંગે સ્થાનિક રહેવાસી રમેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં રહેતા લોકો દુષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યાં છે. જેને લઇ અનેક વખત જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં તેમની અનઆવડત સાબિત થઇ રહી છે અને સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જો આ સમસ્યાનો આગામી દિવસોમાં નિરાકરણ નહી લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

ચીફ ઓફિસરે સમસ્યાનું નિરાકરણ લાવવા તાત્કાલિક કોન્ટ્રાક્ટરને મૌખિક સૂચના આપી
આ અંગે આણંદ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા તાત્કાલિક કોન્ટ્રાક્ટરને મૌખિક સૂચના આપી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે. સાથે જ ચીફ ઓફિસર દ્વારા કડક વલણ અપનાવી કોન્ટ્રાક્ટર દ્વારા જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો તેના પર પેનલ્ટીની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

નગરપાલિકા પ્રમુખે સ્થાનિકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી
આ અંગે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા સ્થાનિકો દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવતા હોવાની વાત કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્યારે આ વિસ્તારની સમસ્યા વિશે તેમને જાણકારી મળી હતી, ત્યારે તેમણે રૂબરૂ સ્થળ મુલાકાત કરી સમસ્યાનું નિરાકરણ કરાવ્યું હતું, પરંતુ તે બાદ હોઈ શકે કે લાઈનમાં પૂન: ભંગાણ થયું હોય અને તેના કારણે દૂષિત પાણી આવતું હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જ વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણા પણ શહેરના નગરપાલિકા પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ અધિકારીઓ અને સત્તાધીશોની બેજવાબદારીના કારણે વિસ્તારમાં રહેતા અંદાજીત 500 જેટલા પરિવારો આજે શુક્રવારે પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે, ઘોરનિદ્રામાં પોઢેલા તંત્રના કાને ગંગદેવનગરના રહીશોની સમસ્યાનો સુર પહોંચે છે કે સ્થિતી જેસે થે પર કાયમ રહે છે.
