- શકરપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો કેસ
- નાયબ જિલ્લા વિકાસ અધિકારીના આદેશને પણ તાલુકા સ્તરના અધિકારીઓ ધોળીને પી ગયા
- તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપ્યો
આણંદ: તાજેતરમાં જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુલબાંગો મારી કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર આચરનારા કે લાંચ લેનારા કોઈને નહીં છોડાય અને શનિવારે આણંદ જિલ્લામાં ઠેર ઠેર ભ્રષ્ટાચારના ચીંથરે ચીંથરા ઉડતા દેખાયા છે. આમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે.
જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપ્યો
ખંભાત તાલુકાના શકરપુર ગ્રામ પંચાયતમાં ઉજાગર થયેલા ભ્રષ્ટાચાર અને અનેક તપાસો બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાનો લેખિત આદેશ તાલુકા વિકાસ અધિકારીને આપ્યો છતાં એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં સ્પષ્ટ થયેલા ભ્રષ્ટાચારના આરોપીઓ સામે કોઈ પોલીસ ફરિયાદ ન થતા જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. શકરપુર ગ્રામપંચાયતનું વર્ષ 2015-16, 2016-17 દરમિયાન 14માં નાણાપંચની ગ્રાન્ટ ગેરરીતિ અને નાણાની ઉચાપતનો પર્દાફાશ થતાં પ્રારંભમાં 60 લાખની આસપાસ સદર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બાદમાં આ અંગે વારંવારની તપાસમાં કેટલાક સરકારી કર્મચારીઓને ભોગ બનવું ન પડે તે માટે બચાવ કામગીરી કરી અંતે 10,93,418ની ગેરરીતિ માટે તે સમયના તલાટી કમ મંત્રી સરપંચ અને અન્ય સંડોવાયેલ સામે પોલીસ કાર્યવાહી કરવાનું સ્પષ્ટ થતાં આ મામલે આજદિન સુધી કોઇ કાર્યવાહી ન થતાં શકરપુર ગ્રામ્યજનો સહિત ખંભાતના શહેરીજનોમાં આ અંગે સદર તંત્ર વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે.
જિલ્લા વિકાસ અધિકારીનું નિવેદન
તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ ન કરાતા સદર ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરનારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હુકમ બાદ અનેક વખત મૌખિક સૂચનાઓ અપાઈ છે. આમ છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી ન થતાં જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોરી તેઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારનું વહીવટીતંત્ર ભાગીદાર બની રહ્યું છે. હવે જોવાનું એ છે કે, જિલ્લા અધિકારીના આદેશની અવગણના ક્યાં સુધી થાય છે.