રાજકોટ: શહેરના વાવડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના પ્રેમીના કહેવાના કારણે પોતાના પતિથી છૂટાછેડા લેવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા રાહુલ હુંબલ દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના પતિથી છૂટાછેડા પણ લેવડાવવામાં આવ્યા હતા. પરંતુ છૂટાછેડા લીધા પછી પણ રાહુલે મહિલા સાથે લગ્ન ન કરી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના પતિને દારૂની લત લાગી હતી: રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા દ્વારા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા બસના ડ્રાઇવર રાહુલ હુંબલ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવામાં આવ્યો છે. રાહુલ હુંબલ દ્વારા મહિલાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેને શરીરના જુદા-જુદા ભાગે બચકા ભરી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, તે હાલ સિલાઈ કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં હાલ તેને બે દીકરી અને દીકરો છે. પોતાની 15 વર્ષની દીકરીએ વર્ષ 2022 માં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમજ પોતાના પતિને પણ દારૂ પીવાની લત લાગી જતા તેઓ કામ ધંધામાં ધ્યાન આપતા નહોતા. જેના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી પણ થતી હતી, તેમજ સંબંધો પણ ખરાબ થવા લાગ્યા હતા.
રાહુલ નામના શખ્સ સામે સંપર્ક થયો: આ દરમિયાન મહિલાનો સંપર્ક રાહુલ હુંબલ નામના ડ્રાઇવર સાથે થયો હતો. રાહુલ હુંબલ મહિલાને વાતચીતમાં સાંત્વના આપતો હતો જેથી બંને વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હતા. પાંચ જૂન 2022 ના રોજ મહિલા ટીનમસ ગામ ખાતે રાહુલ હુંબલના ઘરે તેના પરિવારજનોને મળવા માટે પણ ગઈ હતી. આમ, બંને વચ્ચે પારિવારિક સંબંધો પણ શરૂ થયા હતા. આ દરમિયાન મહિલાનો પતિ દારૂ પીને તેની સાથે માથાકૂટ કરતો હતો.
રાહુલે પીડિતાને કહ્યું હતું કે, "તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, શા માટે તું આ પ્રકારનું દુઃખ સહન કરે છે? તું છૂટાછેડા લઈ લે, ત્યારબાદ હું તારી સાથે લગ્ન કરીશ અને તારા બાળકોનું પણ ધ્યાન રાખીશ."
મહીલા સાથે દુષ્કર્મ આચારવાનો ગુનો નોંધાયો: જુલાઈ 2024 માં રાહુલ કોઈ કારણોસર રાજકોટ આવ્યો હતો, આ દરમિયાન મહિલાનો પતિ પણ કોઈ કારણોસર જામનગર ગયો હતા. ત્યારે રાહુલ દ્વારા મહિલાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહેતા પરણીતાએ ના પાડી હતી. જેથી રાહુલે બળજબરીપૂર્વક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ તેણે મહિલાને કહ્યું હતું કે, તારા છૂટાછેડા થશે પછી આપણે સાથે જ રહેવાના છીએ તો આ પ્રકારનું કરવામાં કંઈ વાંધો નથી.
5 નવેમ્બર 2024 ના રોજ રાહુલ ફરી મહિલાના ઘરે ગયો હતો, અને તેણે મહિલા સાથે શરીર સંબંધ બાંધવા જણાવ્યું હતું. પરંતુ મહિલા દ્વારા ના પાડવામાં આવતા રાહુલ દ્વારા તેની સાથે ફરી બળજબરી કરવામાં આવી હતી. હાલ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુનાના કામે સાંયોગિક પુરાવા પણ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: