- NDDBનાં ચેરમેન પદે વર્ષા જોશીની નિમણૂક
- ભારત સરકાર દ્વારા વર્ષા જોશીને NDDBના ચેરમેનનો પદભાર સોંપાયો
- ચેરમન દિલીપ રથની ચેરમેન તરીકે મુદ્દત પૂર્ણ થતાં નવા ચેરમેન નિમાયા
આણંદ : ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ (સીડીડી) વર્ષા જોશીને 1 ડિસેમ્બર, 2020થી લાગુ કરી જ્યાં સુધી આગામી આદેશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB)ના ચેરમેન તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. એનડીડીબીના ચેરમેન તરીકેનો દિલીપ રથનો કાર્યકાળ 30 નવેમ્બર, 2020ના રોજ પૂર્ણ થઈ ગયો છે.
NDDBના મેનેજિંગ ડિરેક્ટર તરીકે દિલીપ રથ વર્ષ 2011માં એનડીડીબીમાં જોડાયા હતા. ત્યારબાદ 1 ઑગસ્ટ, 2016થી તેમણે ચેરમેનનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. 1 ડિસેમ્બર, 2016ના રોજ તેમણે પ્રથમ કાર્યકાળ માટે એનડીબીબીના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો હતો. ત્યારબાદ 1 ડિસેમ્બર, 2018થી શરૂ કરી તેઓ બે વર્ષના વધારાના સમયગાળા માટે ચેરમેનના હોદ્દા પર ફરીથી નિમણૂક પામ્યાં હતા. દિલીપ રથનો કાર્યકાળ પૂર્ણ થતાં બીજા ચેરમેનની નિમણૂક ન થાય ત્યાં સુધી ભારત સરકારમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા વર્ષા જોશીને કાર્યકારી ચેરમેન પદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1 ડિસેમ્બર 2020 થી એનડીડીબીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે.