છેલ્લા ત્રણ વર્ષમાં આણંદ વિદ્યાનગર અને કરમસદના 770 પરિવારે પોતાના પ્રિયજનની અંતિમવિધિ ગેસથી કરી 259 વૃક્ષોને કાપવાથી બચાવ્યા છે. જેને પગલે અનેક વૃક્ષોને જીવનદાન મળ્યું છે. ચરોતર ગેસ દ્વારા સ્મશાનગૃહોમાં ગેસ પૂરવઠો વિનામૂલ્યે આપવામાં આવે છે.
આણંદમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિદ્યાનગર કરમસદ માંથી કુલ મળી 770 વ્યક્તિઓને અંતિમ સંસ્કાર ગેસની ભઠ્ઠી દ્વારા કરવામાં આવ્યા છે. જેથી આશરે સાડા ચાર લાખથી વધુ રૂપિયાનો ગેસ વપરાશમાં આવ્યો છે, એશિયાની એકમાત્ર પ્રથમ સહકારી ધોરણે ચાલતી, ગેસ પુરવઠો પૂરો પાડતી સંસ્થા 'ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ'ની બોડી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે, કે અગ્નિસંસ્કાર માટે વિનામૂલ્યે ગેસ આપી પર્યાવરણની શક્ય એટલી જાળવણી કરીએ, આ નિર્ણયના પગલે આણંદના સ્મશાનગૃહમાં તથા વિદ્યાનગર અને કરમસદના અલગ-અલગ સ્મશાનગૃહોમાં હજારો મણ લાકડાની બચત કરવામાં તથા પર્યાવરણની જાળવણી કરવામાં ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા એક મહત્વની મુહિમ ચલાવવામાં આવી રહી છે.
સરેરાશ એક વ્યક્તિના અગ્નિસંસ્કાર માં ચાર મણ જેટલું લાકડું વપરાતું હોય છે જેને પગલે કુલ ત્રણ હજાર મણ કરતાં પણ વધારે લાકડું ચરોતર ગેસ સહકારી મંડળીએ બચાવ્યું છે આણંદ જિલ્લો વૃક્ષોની સંખ્યાની ગણતરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવે છે જ્યારે એક વૃક્ષ સામાન્ય રીતે તેના જીવનકાળ દરમિયાન 15 લાખ કરતાં પણ વધુ રૂપિયાનો ઓક્સિજન જીવસૃષ્ટિને પૂરો પાડે છે ત્યારે ચરોતર ગેસ સહકારી મંડળીના આ યોગદાનથી સમાજને કરોડો રૂપિયાનો ઓક્સિજન વધુ મળ્યો છે તેમ પણ કહી શકાય.
ચરોતર ગેસ સહકારી મંડળી આણંદ દ્વારા આણંદ વિદ્યાનગર કરમસદના સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે નિશુલ્ક ગેસ આપવામાં આવે છે. આ ત્રણેય સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાને બદલે ગેસની પટ્ટીનો ઉપયોગ કરવામાં લોકોને પ્રેરણા આપવામાં આવી રહી છે. અહીં દર મહિને 25થી 30 હજાર મણ લાકડું બચાવી શકાય છે આથી નગરજનોને ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ગેસની ભટ્ટીનો મહત્તમ ઉપયોગ કરી વૃક્ષોને કપાતા બચાવી શકાય છે અને પર્યાવરણની જાળવણી કરી શકાય છે. આમ ચેરમેન કિરણભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પર્યાવરણને બચાવવા મહત્તમ ગેસનો ઉપયોગ થાય તથા આણંદ ચરોતરમાં કોઈપણ સ્મશાનગૃહમાં જો ભટ્ટીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, તો ચરોતર ગેસ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે જે પણ ગેસનો વપરાશ એ ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરવા માટે જરૂરિયાત ઊભી થશે તે તમામ પુરવઠો ચરોતર ગેસ સહકારી મંડળી વિનામૂલ્યે આપવા માટે બંધાયેલ છે.