સમાજના દરેક માનવીને માનવી તરીકેનું સન્માન અને હુંફ પામવાનો અધિકાર સમાન રીતે મળેલ છે, માનવી જન્મથી કે આકસ્મિક કારણોથી શારીરિક કે માનસિક અસક્ષમ બની જતા અસહાયતા ની લાગણી કોઈ ન અનુભવે તો તે સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની ઉભરી આવે છે
માનવીનું ધરતી પર અવતરણ થાય છે ત્યારે કુદરત કે સંજોગોવસાત બાળક નાનપણથી બોલી કે સાંભળી શકતો નથી. પરંતુ કુદરતે દરેક માનવીને અખૂટ શક્તિઓથી ભરેલો છે, માનવી ભલે બોલી સાંભળી શકતો ન હોય પણ તેની અંદરની સંવેદનાઓ જાગૃત હોય છે. કુદરતે માનવ જીવનમાં અનેક ખામીઓ ભરેલી છે તો સાથે સાથે આ ખામીઓની સામે તેને દૂર કરવાની વિવિધ પ્રકારની શક્તિઓનો સંચાર પણ કર્યો છે.
મૂક બધિર બાળકો સમાજ જીવન સાથે પોતાનુ જીવન વ્યતિત કરી શકે અને આત્મનિર્ભર જીવન જીવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકો પણ વર્તમાન ટેકનોલોજીના યુગમાં આધુનિક શિક્ષણ મેળવે અને બાળકોની સાથે તાલ મેળવી શકે તે રાજ્ય સરકારે મૂક બધિર બાળકો માટે સ્માર્ટ શાળા લર્નિંગ વર્ગો શરૂ કર્યા છે આ લર્નિંગ વર્ગો શરૂ કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે વર્ગખંડમાં ઇન્ટરેક્ટિવ વાતાવરણ તૈયાર કરવુ, વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર કરવુ આત્મવિશ્વાસમાં વધારો કરવો.
આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે આવેલ ડી પી ભટ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પી સી ભટ્ટ મૂક બધિર વિદ્યાલય રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંપૂર્ણપણે 100% અનુદાનથી ચાલતી શાળા છે.આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના પ્રાથમિક શિક્ષણ આપવા ની સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ કરી આધુનિક યુગના તમામ ઉપકરણો સાથે જ શાળા બાળકોના ભાવિના ઘડતર કરવા માટે દિવસ રાત કાર્યરત છે, એટલું જ નહીં પણ આ વિદ્યાલયમાં પ્રવેશ મેળવનાર બાળકોને રહેવા જમવાનુ તથા યુનિફોર્મ પણ વિનામૂલ્યે સરકાર તરફથી પૂરો પાડવામાં આવે છે.
આ વિદ્યાલયની ખાસિયત એ છે કે શાળામાં સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે, જ્યાં કર્મચારીઓ તેમની હાજરી આપી છે કે નહિ તેને પણ ધ્યાન પર લેવામાં આવે છે. રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વર્ષ 17-18 સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ હેઠળ 3 સ્માર્ટ બોર્ડ અને 3 આધુનિક લેપટોપ આપવામાં આવ્યા છે. વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધોરણ 5 થી 8 સુધીના બાળકો સંપૂર્ણ અભ્યાસક્રમ લેપટોપની ,સ્માર્ટ બોર્ડની મદદ દ્વારા સ્માર્ટ લેંગ્વેજ ભણે છે.
આ સાથે સાથે બાળકોને હેડફોનની સુવિધા પણ આપવામાં આવી છે. આ બાળકોને ઈ-લર્નિંગથી ભણાવવા માટે વિદ્યાલયના શિક્ષકોને સ્પેશિયલ તાલીમ આપી અને સજ્જ કરવામાં આવ્યા છે. જેથી શિક્ષકો બાળકોને આધુનિક ટેક્નોલોજીની મદદથી શિક્ષણ આપી શકે, અહીં સામાન્ય બાળકોને જેવી સુવિધાઓ મળી રહે છે એવી તમામ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. ઠંડુ પાણી, કપડાં ધોવા માટે વોશિંગ મશીન જેવી અનેક સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે
ઉલ્લેખનીય વાત એ છે કે 45 બાળકોને જીવનમાં સક્ષમ બનવા બાળકોને વિવિધ ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. જેમાં બાળકો પગલૂછણીયા ,સિલાઈ કામ, મીણબત્તી તથા વિવિધ ક્રાફ્ટના કામ કરી જીવનમાં સ્વાવલંબી બનવાનુ ઉપયોગી જ્ઞાન મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓને સ્થાનિક કક્ષાએ વેચાણ કરી અને મળનાર આર્થિક મૂડીને બાળકોના જ લાભ અર્થે ખર્ચ કરવામાં આવે છે, 1989થી સમાજની સેવા કરી રહેલ આ શાળા આજે સોજીત્રા સાથે સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવતી સેવા આપી રહી છે.