- ખંભાતના બજારોમાં અસામાજિક તત્વોની ધાક વર્તાઈ
- જાહેરમાં અશાંતિ સર્જતાં તત્ત્વોને જોઇ ફટાફટ માર્કેટ બંધ ધઈ ગયાં
- ખંભાતમાં રાત્રિના સમયે શાંતિ ડહોળતા તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાઇ
ખંભાતઃ અસામાજિક તત્વો દ્વારા આવી હરકતને પગલે વેપારીઓએ તરત જ દુકાનો બંધ કરી દીધી હતી. જેની જાણ થતાં ઘટના સ્થળે તરત પોલીસ કાફલો આવી ગયો હતો. જેને જોઇને તોફાની તત્વો નાસી છૂટયાં હતાં. જોકે પોલીસે સ્થાનિક માણસો મારફતે સદર તોફાની તત્વોની ઓળખ કરી તેઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 160 મુજબ ગુનો નોંધી તોફાની તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
![છેલ્લાં બે વર્ષથી ઉત્તરાયણ બાદ ખંભાતમાં કોમી રમખાણો સર્જાય છે!!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10288253_complain_gjc1020.jpg)
પોલીસે કરી કાર્યવાહી
આ અંગે એ.એસ.આઈ મહેન્દ્રભાઈ હસુભાઈની ફરિયાદને આધારે જાણવા મળ્યું હતું કે ગત રાત્રે 9:30 કલાકે હેડ કોન્સ્ટેબલ કનકસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ અલંકાર ગેસ્ટ હાઉસમાં હાજર હતાં. તે દરમિયાન અલંકાર ગેસ્ટ હાઉસ સામેના રોડ ઉપર બૂમાબૂમ થતા વાતાવરણ ડહોળાયું હતું. જેમાં ચાર માણસો જાહેરમાં ગમે તેમ બોલી સુલેહ ભંગ કરતાં હોઇ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. જોકે પોલીસ પહોંચે તે પહેલાં આ ચારે નાસી છૂટયાં હતાં. પોલીસે સ્થાનિક માણસો મારફતે જેઓના નામઠામ મેળવતા તેઓના નામ તરુણભાઈ વિજય ભાઈ ચુનારા તથા હિમાંશુભાઈ વિજયભાઈ ચુનારા બંને રહેઠાણ મોટી ચુનારવાડ ખંભાત તેમજ રોહિત ઉર્ફે પેપો રાજુભાઈ ચુનારા તેમ જ લલ્લુ ચુનારા ચડ્ડી ગેંગનો માણસ બંને રહેવાસી પાધરીયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ચારેય તોફાની તત્વો વિરુદ્ધ સુલેહભંગ તથા વાતાવરણ ડહોળવા બદલ ઇપીકો કલમ 160 મુજબ ગુનો નોંધી તોફાની તત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
છેલ્લાં બે વર્ષથી ઉત્તરાયણ બાદ ખંભાતમાં કોમી રમખાણો સર્જાય છે
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બાદ છેલ્લા બે વર્ષથી 23 તારીખના અરસામાં ખંભાતમાં કોમી રમખાણો સર્જાયા હોવાનું જાણવા મળેલ છે. ઉત્તરાયણ પર્વ બાદ ગતરાત્રીના સુમારે એક જ જૂથના ચાર તોફાની તત્વો આમને સામને આવી ભરબજારમાં મોટેથી બૂમો પાડી અપશબ્દો બોલી સુલેહ ભંગ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે ઇપીકો કલમ ૧૬૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વખતે પણ જાન્યુઆરી માસમાં કોમી રમખાણો સર્જાશે તેવી ભીતિથી ખંભાતીઓ માટે સંકટ સર્જાયું છે.
પહેલાં પણ કોમી રમખાણોની અફવાઓ વહેતી કરાઈ હતી
ઉતરાણ પૂર્વે બજારમાં કોમી રમખાણો સર્જાવા હોવાની બજારમાં વહેતી થઈ હતી. જોકે આ બાબતે પોલીસ તંત્રે સચેત થઇ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવી શહેરમાં વિવિધ માર્ગો ઉપર પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આને લઇ ઉત્તરાયણ અને વાસી ઉતરાયણ પર્વ ખંભાતીઓએ શાંતિપૂર્વક મનાવ્યું હતું. ત્યાર બાદ ગત રાત્રીના સુમારે એક જ જૂથંના તોફાની તત્વોએ ભરબજારમાં ધમાલ કરી આતંક મચાવતા ગણતરીની મિનિટોમાં ખંભાતના બજારો બંધ થયાં હતાં.