- જમીન વિવાદમાં મલાતજમાં ડેપ્યુટી સરપંચ પર ચપ્પુથી હુમલો
- ડેપ્યુટી સરપંચની આંગળી કપાઈ
- જમીન વિવાદના મુદ્દે થઇ હતી બોલાચાલી
આણંદ : મલાતજ ગામે ટાવર પાસે રહેતા સુનિલ રામ પટેલ મલાતજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપે છે. ગામમા આઝાદ ખડકીમાં રહેતા રાજુ પટેલે સુનિલભાઈના મકાનના તળિયાના જમીન બાબતે ગામ તડ પત્રકની નકલ મેળવવા અરજી કરી હતી. જેથી આ બનાવ અંગે સરપંચે ફોન કરી સુનિલભાઈને જાણ કરતાં ડેપ્યુટી સરપંચ સુનિલ પટેલ ગ્રામ પંચાયતમાં ગયા હતા. જ્યારે ડેપ્યુટી સરપંચ સુનિલ પટેલે રાજુ પટેલને કહ્યું હતું કે, અમારા મકાનના તળિયાના જમીન બાબતે તું કેમ અરજી આપે છે આ મકાન મારું છે. તેમ કહેતા જ રાજુ પટેલ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ડેપ્યુટી સરપંચ સાથે મારામારી કરી ડાબા હાથની આંગળી પર બચકું ભરી તેની પાસે રહેલ ચપ્પું વડે ડેપ્યુટી સરપંચની આંગળી કાપી નાખી તમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
આ અંગે સુનિલ રામ પટેલની ફરિયાદના આધારે સોજીત્રા પોલીસે રાજુ મગન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુનિલ પટેલની ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજુ મગન પટેલે તેમના પર જીવલેણ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે સંદર્ભે સોજીત્રા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.