- આણંદમાં કિન્નરે બનાવી આગવી ઓળખ
- સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરે છે તૈયારીઓ
- સમાજમાં સન્માન અને ઓળખ પ્રસ્થાપિત કરવા કરી રહ્યો છે પ્રયત્ન
આણંદઃ જિલ્લામાં પેટલાદ ખાતે કિન્નર સમુદાયનો મોટો સમૂહ વસવાટ કરે છે. વર્ષોથી પેટલાદમાં રહેતા કિન્નર સમુદાયના કિન્નરો રાજ્ય કક્ષાએ ઓળખ ધરાવે છે. કહેવાય છે કે, પેટલાદના તોરણ કિન્નર દ્વારા બાંધવામાં આવ્યા હતા. તે જ પેટલાદ શહેરમાં એક કિન્નરે આત્મનિર્ભર બનવા પહેલ કરી છે, જે પેટલાદ તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદની તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા દિનેશ જે બારોટ ઉર્ફે દિવ્યા કુંવરે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરી, ગ્રામસેવક તરીકે નોકરી મેળવી આગવી ઓળખ ઉભી કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. રાજ્યમાં કોઈ કિન્નર દ્વારા નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય તેવી આણંદ જિલ્લામાં પ્રથમ ઘટના સામે આવી છે. દિવ્યા કુંવર એગ્રોનોમી ખેતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યો છે. દિનેશને તેના સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શારીરિક બદલાવ આવવાનો ખ્યાલ આવ્યો હતો, જે બાદ તેને તેના શોખ અને વહેવાર વર્તનમાં ફરક જણાતાં તેની માતાને આ બદલાવ વિશે જાણ કરી હતી. દિનેશના પરિવારમાં માતા-પિતા અને બે બહેનોનો સમાવેશ થાય છે. દિવ્યા કુંવર કહે છે કે, તેના પિતાનું 15 વર્ષ અગાઉ અવસાન થયું હતું. જે બાદ પરિવાર અને માતાની જાવબદારી તેના ખભે આવી પડી હતી, ત્યારે તેને સુરતના વરાછા સ્થિત નારણભાઇ દેસાઈ ગાંધી વિદ્યપીઠમાંથી એગ્રોનોમીમાં સ્નાતકનો અભ્યાસ ડીસ્ટિકશન સાથે પૂરો કરી પરિવારના ભારણપોષણની જવાબદારી સ્વીકારી નોકરી કરવાનો નીર્ધાર કર્યો છે.
આ પણ વાંચોઃ સુરતના કિન્નર સમાજે ધૈર્યરાજસિંહની બિમારીના ઈલાજ માટે રૂપિયા 65000 હજારનુંં દાન કર્યુ
કિન્નર દિવ્યા કુમારી કરે છે નોકરી
આત્મનિર્ભર બનવાના દ્રઢ નિશ્ચય સાથે દિનેશમાંથી દિવ્યા કુંવર બનેલા કિન્નર દિવ્યાએ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ગ્રામસેવકની નોકરી મેળવી એક જવાબદાર કિન્નરની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. હાલ દિનેશ ઉર્ફે દિવ્યા કુંવર પેટલાદના 10 જેટલા ગામોમાં વિવિધ સરકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા માટે ફરજ બજાવી રહ્યા છે. તે અગાઉ તારાપુર, કપડવંજ, પેટલાદ, આણંદ અને ખેડા વગેરે સ્થળો પર ફરજ બજાવી ચુક્યા છે.
પારંપરિક આવકને બદલે નોકરી કરી મેળવી રહ્યો છે આજીવિકા
દિવ્યા કુંવરે જણાવ્યું હતું કે, દેશની સર્વોચ્ચ ન્યાયાલયએ વર્ષ 2018માં કિન્નરોને સમાન અધિકાર આપ્યો છે. સમાજમાં હજુ પણ સ્ત્રી અને પુરુષ એમ બે વિભાગોમાં જ સમાજને વર્ગીકૃત કરવામાં આવી રહ્યો છે. જે વિચારધારા બદલવાની જરૂર છે. કિન્નરોને પણ સમાન અધિકાર સાથે સરકારી નોકરીઓ કરવા અથવા સમાજમાં આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન મળવું જોઈએ. દિવ્યા આજે સરકારી અધિકારી બની પોતાનું અને તેની બે બહેનોની જવાબદારી ઉપાડવા મહેનત કરી રહી છે. સમાજમાં આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જેમાં એક કિન્નર પારંપરિક આવકને બદલી નોકરી કરી આજીવિકા મેળવવા કામ કરી રહ્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ત્રીજી જાતિ તરીકે સ્વીકાર કરે તેવી આશા
મહત્વનું છે કે, કિન્નર દ્વારા સમાજમાં એક ઓળખ ઉભી કરવાના શરૂ કરેલા કાર્યમાં પેટલાદ તાલુકા પંચાયત અને તેના સહકર્મચારીઓ પૂરતો સહકાર આપી રહ્યા છે. જે દિવ્યાને એક નવી ઉર્જા પુરી પાડી રહ્યું છે. દિનેશએ તેના તમામ આધાર પુરાવા હવે દિવ્યા કુંવરના નામે તબદીલ કરાવી લીધા છે. સરકારને અપીલ કરી હતી કે, આગામી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમને પણ ત્રીજી જાતિ તરીકે સ્વીકાર કરી તેમનો પણ સમાવેશ કરવામાં આવે જેથી એક નવી પહેલ કરી શકાય. રાજ્ય સરકાર આ પ્રકારની શરૂઆત કરે તો કિન્નરોમાં પણ છુપાયેલી શક્તિઓ બહાર આવી શકશે. જેથી સમાજમાં કિન્નરોની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે. તેવી તેને આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢના કિન્નરોએ વેક્સિન લઈને રસીકરણ માટે કરી લોકોને અપીલ
ધર્મગુરુ ભગવતી કુંવર પાસેથી લીધી દીક્ષા
ઉલ્લેખનીય છે કે, દિવ્યા કુંવરે ધર્મગુરુ ભગવતી કુંવર પાસેથી દીક્ષા લીધી હતી. જે બાદ તેને દિનેશમાંથી દિવ્યા કુંવરની ઓળખ મળી હતી. દિવ્યાએ દીક્ષા લીધા બાદ સમાજમાં રહી નોકરી કરી પરિવાર અને તેનું ગુજરાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. દિનેશ ઉર્ફે દિવ્યા આજેે ખૂબ સરસ રીતે પોતાની જાવબદારીઓ નિભાવી રહી છે.