- 244 જેટલી સ્કૂલોને ફાયર NOC લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ હુકમ કર્યો
- 16મી એપ્રિલ પહેલા ફાયર NOC લેવા જણાવવામાં આવ્યું
- ગુજરાત હાઈકોર્ટે કરેલા ઓરલ ઓર્ડરમા નિર્દેશ આપ્યો હતો
- વડોદરાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી NOC લેવી પડશે
આણંદઃ ફાયર સેફ્ટીના સંદર્ભમાં ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં ગત 26મી ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે કરેલો ઓરલ ઓર્ડરમા નિર્દેશ આપ્યો હતો કે, તમામ શાળાઓમાં બીયુ પરમિશન, ફાયર NOC લેવી ફરજિયાત છે. આ જાહેર હિતની અરજીની આગામી વધુ સુનાવણી 16મી એપ્રિલે છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મુદ્દત પહેલા તમામ ગ્રાન્ટેડ સ્કૂલો તેમજ નોન ગ્રાન્ટેડ સ્કૂલોએ ફાયર NOC તથા બીયુ પરમિશન મેળવી ના હોય તો મેળવવા માટેની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા માટે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને એક પત્ર પાઠવ્યો છે.
આ પણ વાંચોઃ NOC વગરની બિલ્ડીંગને સીલ મારતું ગાંધીનગર ફાયર વિભાગ
ફાયર સેફ્ટિના સાધનોની વ્યવસ્થા કરાઈ
આ પત્ર મળતાં તમામ સ્કુલ દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC મેળવવા માટેની તજવીજ હાથ ધરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા પોતાના ખર્ચે પાઈપલાઈનવાળી ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી છે, સરકારી સ્કૂલો દ્વારા બોટલરૂપી પ્રાથમિક આગ ઓલવવાના સાધનો વિકસાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બીયુ પરમિશન તેમજ ફાયરની NOC વડોદરા અવકુડાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી લેવાની છેઃ શિક્ષણાધિકારી જે. ડી. પટેલ
આણંદના જિલ્લા શિક્ષણાધિકારી જે. ડી. પટેલે જણાવ્યું હતુ કે, બીયુ પરમિશન તેમજ ફાયરની NOC વડોદરા અવકુડાના રીઝનલ ફાયર ઓફિસર પાસેથી લેવાની છે જે અંગે તમામ સ્કૂલોને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 220 ગ્રાન્ટેડ, 15 સરકારી અને 109 નોન ગ્રાન્ટેડ સ્કૂલો છે. ગ્રાન્ડેટ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોની ફાયર NOC સ્કૂલો ચલાવતા જે તે મંડળો કે સંસ્થાએ લેવાની રહે છે, જ્યારે સરકારી સ્કૂલોની ફાયર NOC લેવાની જવાબદારી સરકારની છે. જિલ્લાની તમામ સરકારી સ્કૂલોમાં ફાયર એક્ટીગ્યુસર અથવા સ્ટેન્ડ બકેટ ગોઠવી દેવામાં આવ્યા છે. જો કે હજી સુધી એકપણ શાળાને ફાયર NOC મળી નથી. જે મેળવવા માટેની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ
આણંદમાં કેટલાક મંડળો અને સ્કૂલો પાસે ફાયર NOC ઉપલબ્ધ
સ્કૂલોમાં આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આણંદમાં વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા સંચાલિત સ્કૂલો તેમજ કેટલીક ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરીને તે અંગેની NOC પણ લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રામકૃષ્ણ સેવા મંડળ, જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ વગેરેનો સમાવેશ થાય છે. બીજી સંસ્થાઓની ફાયર સેફ્ટી ઉભી કરવાની અને NOCની કાર્યવાહી ચાલી રહી છે.
ગ્રામ્ય-શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓના ફાયર NOC 30 માર્ચ,2021 સુધી જમા કરાવવા તંત્રનો આદેશ
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની 990 સહિત ખાનગી અને ગ્રાન્ટેબલ ધો.1થી 8ની પ્રાથમિક શાળાઓને ફાયર NOC મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી સરકારના આદેશ બાદ સત્વરે કામગીરી હાથ ધરે છે. આ કામગીરી પૂર્ણ થયાનું ભાગ્યે જ જોવા મળે છે. થોડા સમય અગાઉ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા CRC, BRCને તેમના તાબા હેઠળની શાળાઓમાં ફાયર NOC ચકાસણી માટે આદેશ કર્યો હતો. કેટલીક શાળાઓના ફોર્મ ભરાઇને પણ કચેરીએ પહોંચતા કરાયા હતા. બાદમાં બધુ અભેરાઇએ મૂકાયું હતું.
હાઇકોર્ટની ટકોર
હવે પુન: હાઇકોર્ટે કરેલી ટકોરના પગલે રાજય સરકારમાંથી આદેશ છૂટતાં જ પુન: જિલ્લા પ્રાથમિક શિક્ષણ , આણંદ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ફાયર NOC તપાસના હૂકમ કરાયા છે. નામ ન આપવાની શરતે BRCવર્તુળોએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા બે દિવસ અગાઉ અમને ઇમેઇલ દ્વારા તા. 30 માર્ચ,2021ને બપોરે 4 કલાક સુધી પ્રાથમિક શાળાઓની ફાયર NOCની માહિતી કચેરીએ પહોંચતી કરવા આદેશ કરાયો છે. વાસ્તવમાં ગ્રામ્ય શાળાઓએ ગ્રામ પંચાયત અને શહેરી શાળાઓએ પાલિકામાં ફાયર NOCની અરજી કરવાની હોય છે. ત્યારબાદ ગ્રામ્યથી તાલુકા અને પાલિકામાંથી શહેરી ફાયર વિભાગને અરજી પહોંચે છે. બાદમાં સ્થળ તપાસ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.