- ખંભાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
- ખંભાત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 36 બેઠકોમાંથી 18 બેઠકો મળી
- તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપને 19 બેઠકો મળી હતી
ખંભાત: ભાજપનો ગઢ ગણાતા ખંભાતમાં ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. જેમાં, ખંભાત નગરપાલિકાની 36 બેઠકો માટે ખરાખરીનો જંગ ખેલાયો હતો અને ભાજપને 18 અને કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. જ્યારે, અપક્ષોને 4 બેઠકો અને આપને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. ખંભાત તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી ભાજપને 19 બેઠકો અને કોંગ્રેસને 6 બેઠક અને અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. જ્યારે, જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી ભાજપને 5 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક પ્રાપ્ત થતા સમગ્ર તાલુકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
કોંગ્રેસ માટે સત્તા સ્થાપવી અસમર્થ
ખંભાત નગરપાલિકાની 36 બેઠકો માટે 110થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં, ખંભાત નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભાજપને અપક્ષના ટેકાની જરૂર પડશે અને 18 બેઠકો પ્રાપ્ત થતાં સત્તા હાંસલ કરવા ફરજીયાત અપક્ષનો સહારો લેવો પડશે. જ્યારે, કોંગ્રેસને 13 બેઠકો પ્રાપ્ત થઇ હોવાથી કોંગ્રેસ જો 4 અપક્ષ અને 1 આપનો સહારો મેળવે તો પણ ભાજપા સામે માત્ર બરાબરી કરવા 18 બેઠકો જ પ્રાપ્ત થાય જેને લઈ કોંગ્રેસ માટે સત્તા સ્થાપવી અસમર્થ છે.
ભાજપથી નારાજ નેતા અપક્ષમાંથી વીજેતા બન્યા
નગરપાલિકાના વોર્ડ નં. 5માં સૌથી ઓછું મતદાન થયું હોવા છતાં પણ 9 વોર્ડમાંથી માત્ર વોર્ડ નં 5માં યુવા નેતા વિજયસિંહ પરમારે પેનલ ઉતારી 3605 જંગી મતો મેળવ્યા છે. ગઈ ચૂંટણીમાં પણ તેઓ સૌથી વધુ મતોથી વિજેતા જાહેર થયા હતા. ભાજપના સતત બે ટર્મથી ચૂંટાતા નગીન મહિડા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કલ્પેશ પંડિત તેમજ નગરપાલિકામાંથી રાજીનામું આપી ભાજપની ચૂંટણી લડતા સંતોકબેન ચુનારાનો કારમો પરાજય થયો છે. ભાજપથી અસંતુષ્ટ થઈ અપક્ષમાં ઉમેદવારી કરતા વોર્ડ નં. 8ના ઉમેદવાર ભુપત પટેલ વિજયી બન્યા છે. જ્યારે, વોર્ડ નં. 9માં ભાજપમાંથી ભ્રષ્ટાચાર અને સગાવાદથી કંટાળી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ત્રણ અપક્ષ ઉમેદવારો ભવ્ય વિજયી બન્યા છે. અપક્ષોનું જોર વધતાં વોર્ડ નં. 9માં ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે. ખંભાત તાલુકા પંચાયતની બેઠક માટે સ્થાનિક નેતાઓના જૂથવાદને કારણે ભાજપમાંથી ટિકિટ ન મળતાં નિખિલ કુમાર પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને પછાડીને તેઓએ 1813 મતોથી વિજેતા જાહેર થયા હતા.