- ભાદરણમાં સિસ્વા ગામમાં યુવકની કરાઈ હત્યા
- રૂ. 500ની લેતીદેતીમાં કરાઈ હત્યા
- મોહસિનશા દિવાન અને રફિક પરમાર વચ્ચે બોલાચાલી થઈ હતી
- રફિક પરમાર નામના યુવાનનું ચપ્પાના ઘા મારી હત્યા કરાઈ હત્યા
આણંદઃ આ અંગે મળતી માહિતી અનુસાર, સિસ્વા ગામમાં રહેતો અને રિક્ષા ચલાવતો રફિક પ્યારાસાહેબ પરમારનો 6 મહિના પહેલા બોરસદમા રહેતા મોહસિનસા દિવાન સાથે સંપર્ક થયો હતો. મોહસિનશા દિવાન પૈસા લઈને નોકરી અપાવવાનું કામકાજ કરતો હતો. આથી રફિકે સારી નોકરી અપાવવાની વાત કરતા મોહસિનશાએ તેની પાસેથી રૂ. 500 લીધા હતા. જો કે, આટલો બધો સમય વીતી ગયો હોવા છતાં પણ મોહસિનશા દ્વારા નોકરીની કોઈ વાત જ ન કરતા રફિકભાઈ દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી.
બન્ને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી
તે દરમિયાન આજે પણ ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મોહસિને ભાદરણ બસ સ્ટેન્ડે રફીકને બોલાવ્યો હતો. મોહસિન પોતાના મિત્ર સાથે બાઈક પર ભાદરણ પહોંચ્યો હતો. અહીં રફિકને મળીને તેણે આપેલા રૂ. 500 રૂપિયા પરત આપી દીધા હતા. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. ઉશ્કેરાયેલા મોહસિનશાએ ચપ્પુ કાઢીને રફિકને બરડામાં મારી દેતાં લોહીલુહાણ હાલતમાં તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. જાહેરમાં આ બનાવ બનતા જ બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ 108 મોબાઈલ વાન અને ભાદરણ પોલીસને કરવામાં આવતા જ તેઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા રફિકભાઈને તરત જ સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતુ.
રફિકને બરડાના ભાગે ચાકુ મારીને મોહસિનશા દિવાન બાઈક પર બેસી ફરાર થઈ ગયો
પરિવારજનોને ઘટનાની જાણ થતા જ તેઓ બોરસદ આવ્યા હતા અને હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા હતા. ભાદરણના પીએસઆઈ મયુરસિંહ ભાટીના જણાવ્યા અનુસાર, રફિકને બરડાના ભાગે ચાકુ મારીને મોહસિનશા દિવાન બાઈક પર બેસીને ફરાર થઈ ગયો હતો. હાલમાં તો પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે સાથે સાથે ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.